એરપોર્ટની સિક્યોરિટી ટ્રેમાં શૌચાલય કરતાં પણ વધુ વાઈરસ!

લંડન: એરપોર્ટ પર ઉપયોગમાં લેવાતી સિક્યોરિટી ટ્રેમાં શૌચાલય કરતાં પણ વધુ વાઈરસ હોય છે, તેનાથી ગંભીર બીમારીઓ ફેલાવાનો ખતરો ઘણો વધારે હોય છે. એક અભ્યાસ બાદ સંશોધનકર્તાઓએ આ ચેતવણી આપી છે. યાત્રીઓ આ ટ્રેનનો ઉપયોગ સિક્યોરિટી ચેક પોઈન્ટ પર તેમના હાથમાં રહેલા સામાનની તપાસ કરાવવા માટે કરે છે.

બ્રિટન સ્થિત યુનિવર્સિટી ઓફ નોટિંઘમના સંશોધનકર્તાઓએ શિયાળાની ઋતુ દરમિયાન ફિનલેન્ડના હેલસિંકી-વંતા એરપોર્ટ પર આ અભ્યાસ હાથ ધર્યો હતો. તેમણે એ વસ્તુઓમાં વાઈરસના સ્તરની માપણી કરી, જે સામાન્ય રીતે એરપોર્ટ પર સૌથી વધુ સ્પર્શવામાં આવે છે, તેમાં ટ્રોલી-ટ્રે વગેરે સામેલ હતા.

તેમણે જે વસ્તુઓની તપાસ કરી તેમાંથી ૧૦ ટકામાં વાઈરસની હાજરી હોવાનું જણાયું હતું, તેમાં સૌથી વધારે પ્લાસ્ટિકની એ ટ્રે હતી, જે નાના સામાનની એક્સ-રે તપાસ માટે પ્રવાસીઓને આપવામાં આવે છે. બીએમસી ઈન્ફેક્શન ડિ‌સીઝીઝ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે જાહેર સ્થળો પર એ વસ્તુઓમાં વાઈરસનો ખતરો સૌથી વધુ હોય છે, જે ઘણા લોકોના હાથમાંથી પસાર થાય છે.

બીમારીથી બચવા માટે આવી વસ્તુઓને સ્પર્શ્યા બાદ હાથ સારી રીતે ધોવામાં આવે તે ખૂબ જરૂરી છે. એરપોર્ટ પર સિક્યોરિટી ટ્રે ઉપરાંત શૌપ પેમેન્ટ ટર્મિનલ્સ, સીડી, પાસપોર્ટ ચેકિંગ કાઉન્ટર, બાળકોને રમવાનાં સ્થળો અને ત્યાંની હવામાં પણ વાઈરસ મળી આવ્યા હતા.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર આવા જાહેર સ્થળોની મુલાકાત લેતા લોકોએ તેમની સાથે સેનિટાઈઝર, સ્વચ્છ રૂમાલ અને ટિશ્યૂ પેપર રાખવા જોઈએ. કોઈ પણ વસ્તુને અડક્યા બાદ તુરંત જ હાથ સારી રીતે સાફ કરી લેવા જોઈએ.

સંશોધનકર્તાઓને અહીં સૌથી વધુ રાઈનો વાઈરસ મળી આવ્યા હતા, જે સામાન્ય શરદી (કોલ્ડ)નું સૌથી મોટું કારણ ગણાય છે. આ ઉપરાંત ઈન્ફ્લુએન્જા-એના વાઈરસ પણ મળી આવ્યા હતા.

You might also like