ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના વધુ છ બ્લોક પણ હવે તોડી પડાશે

અમદાવાદ: ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક રવિવારની સાંજે ધરાશાયી થયા બાદ મ્યુનિસિપલ તંત્રમાં ભારે દોડધામ મચી હતી. આ ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા કુલ ૮૪ બ્લોકની મજબૂતાઇ ચકાસવા સત્તાવાળાઓએ ખાસ સર્વે હાથ ધર્યો હતો.

ગઇ કાલે સાંજે સત્તાધીશોને સુપરત કરાયેલા સર્વે રિપોર્ટ મુજબ વધુ પંદર બ્લોકને ભયજનક બ્લોક તરીકે જાહેર કરાયા છે. જે પૈકી બ્લોક નં.૪૧, ૪ર, ૪૩, ૪૪, ૬૧ અને ૬ર બ્લોક એમ કુલ ૬ બ્લોકને તત્કાલ ખાલી કરવા નોટિસ અપાઇ ગઇ હોય હવે એક બે દિવસમાં આ તમામ બ્લોકને તોડી પડાશે.

ગયા રવિવારની સાંજે ઓઢવની ગરીબ આવાસ યોજના હેઠળ બ્લોક નં.ર૩ અને ર૪ પત્તાંનાં મહેલની જેમ અચાનક જમીનદોસ્ત થતાં સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બંને બ્લોક ધરાશાયી થતાં અન્ય ૮ર બ્લોકની મજબૂતાઇ ચકાસવા માટે તત્કાળ સર્વે હાથ ધરાયો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સર્વે ટીમના પ્રાથમિક રિપોર્ટ મુજબ વધુ છ બ્લોકને ભયજનક જાહેર કરાયા હતા. જેના કારણે ગઇ કાલે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવી આ બ્લોકમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવાની ફરજ પડાઇ હતી. ત્યાર બાદ તમામ બ્લોકને સીલ કરી ગઇ કાલ સાંજથી તેને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

આ અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર જયેશ એસ. પ્રજાપતિનો સંપર્ક કરતાં તેઓ કહે છે, તંત્રનો તમામ બ્લોકનો સર્વે પૂરો થયો હોઇ તેના આધારે વધુ ૧પ બ્લોકને ભયજનક જાહેર કરાયા છે. જે પૈકીના છ બ્લોકના રહેવાસીઓને મકાન ખાલી કરવાની નોટિસ અપાઇ ગઇ છે. હવે આ બ્લોકને ખાલી કરી તેને સીલ મરાશે અને ત્યારબાદ તેને પણ તોડી પડાશે.

You might also like