પાલડીમાં વાંદરાનો આતંકઃ બે વિદ્યાર્થી સહિત પાંચથી વધુ લોકોને બચકાં ભર્યાં

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી એક વાનરે બે વિદ્યાર્થીઓ સહિત પાંચ કરતાં વધુ લોકોને બચકાં ભરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાનરે પાલડી વિસ્તારના લોકોને બચકાં ભરતાં તાત્કા‌િલક તેને પકડવાની માગ ઊઠી છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં સ્કૂલે જતાં બાળકો, સિક્યોરિટી ગાર્ડ તેમજ રહીશોમાં તોફાની વાનરના કારણે ફફડાટ વ્યાપ્યો છે.

પાલડી વિસ્તારમાં આવેલી ગુજરાત સોસાયટી તેમજ આસપાસની સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી એક વાનરે આતંક મચાવ્યો છે. પાલડીમાં રહેતા એક નાગ‌િરકે જણાવ્યું છે કે ગુજરાત સોસાયટી સહિતની સોસાયટીમાં એક વાનરે પાંચ કરતાં વધુ લોકોને બચકાં ભરી લીધાં છે.

બે વિદ્યાર્થીઓ સવારે સ્કૂલે જતા હતા ત્યારે વાનરે એકાએક બન્ને જણાને પગમાં બચકાં ભરી લીધાં હતાં. જ્યારે ગુજરાત સોસાયટી સહિતની બીજી સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડને પણ વાનરે બચકાં ભરી લીધાં છે. બે સિક્યોરિટી ગાર્ડને વધુ ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે સિક્યોરિટી ગાર્ડ અને બે વિદ્યાર્થીઓ સહિત અન્ય એકાદ-બે જણાને પણ વાનરે બચકાં ભર્યાં હોવાની વાત સામે આવી છે.

સ્થાનિક રહીશે જણાવ્યું છે કે આ વાનરને પકડવા માટે બે દિવસથી ફોરેસ્ટ હેલ્પ લાઇનમાં સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ કોઇ જ સંપર્ક થતો નથી. પાલડીમાં વાનરે આતંક મચાવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાનરના કારણે સોસાયટીના રહીશો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ સ્થાનિકો વાનરને પકડવા માટેની માગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં વાંદરાનાં ઝૂંડ એકાએક આવી પહોંચે છે. વાંદરાઓ કેબલ, ડિશ એન્ટેના અને વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. કેટલીક વખત તો લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે.

You might also like