૮પ હજારથી વધુ નવી મિલકતોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે

અમદાવાદ: છેક વર્ષ ર૦૧૧ની જંત્રી આધારિત પ્રોપર્ટી ટેકસની ફોર્મ્યુલાનો અમદાવાદ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ત્રણ વર્ષ બાદ વર્ષ ર૦૧૪-૧પમાં તેની શહેરમાં અમલવારી કરી હતી, જોકે નાગરિકોના ભારે રોષથી ભયભીત ભાજપના શાસકોએ તે વખતે જંત્રીમાં પચાસ ટકા રાહત આપી હતી.

હવે આ રહીસહી પ૦ ટકા રાહત પણ કોર્પોરેશને તાજેતરના ડ્રાફટ બજેટમાં પાછલા બારણેથી ખેંચી લેતાં લોકો વિફર્યા છે. એક અંદાજ પ્રમાણે શહેરભરની ઓછામાં ઓછી સાત લાખ મિલકતોને આનાથી માઠી અસર પહોંચશે, જોકે છેલ્લાં ચાર વર્ષમાં નવી આકારણીના પગલે શહેરમાં ઉમેરાયેલી આશરે ૮પ હજાર વધુ નવી મિલકતોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે.

તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે નાગરિકોમાં ફેલાયેલા પ્રચંડ રોષના પગલે નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં જંત્રીમાં સો ટકાની વૃદ્ધિ કરવાના બદલે પચાસ ટકાની વૃદ્ધિ કરી હતી. ત્યારબાદના પ્રત્યેક વર્ષે જે તે સમયના શાસકોએ જંત્રીમાં અપાયેલી પચાસ ટકા રાહતને યથાવત્ રાખી હતી.

પરંતુ તાજેતરમાં કમિશનર મૂકેશકુમારે પોતાની પ્રેસનોટમાં તો કરવેરાવિહોણું રૂ.૬પ૦૦ કરોડનું બજેટ રજૂ કર્યું, પરંતુ પાછળથી જંત્રીમાં અપાયેલી પચાસ ટકા રાહતને કમિશનરે પરત ખેંચતાં જોધપુર સહિતના નાગરિકોમાં સ્વયંભૂ આક્રોશ ફેલાયો છે. હાલ તો તંત્ર નાગરિકો ઉપર ફક્ત રૂ.૬૭ કરોડનો આર્થિક બોજો પડશે તેવો દાવો કરે છે, પરંતુ ખરેખર તો રૂ.૧પ૦ કરોડ સુધીનો જબ્બર ટેક્સ વસૂલાશે તેમાં પણ આકારણીના કારણે નવી ઉમેરાયેલી ૮પ હજારથી વધુ મિલકતોને તો લોકેશનનાં ફેકટર ‘ડી’ કે ‘સી’ અને ‘બી’નો ‘એ’ કે ‘બી’ થવાથી સો ટકા જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સ ભરવો પડશે.

વર્ષ ર૦૧પ-૧૬માં નવા પશ્ચિમ ઝોનમાં ચતુર્વર્ષીય આકારણીથી પ૦ હજાર જેટલી નવી મિલકતો નોંધાઇ છે. ત્યારબાદ ચાલુ વર્ષે ર૦૧૭-૧૮માં પહેલા મધ્ય ઝોન અને બાદમાં પશ્ચિમ ઝોનમાં આકારણી કરાતાં નવી મિલકતોમાં ક્રમશઃ ૧૦ હજાર અને રપ હજારની વૃદ્ધિ થઇ છે. સરવાળે નવી ૮પ હજાર મિલકતોને આગામી ૧ એપ્રિલ, ર૦૧૮થી સો ટકા જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સ બિલ ભરવો પડશે.

દરમ્યાન ભાજપના શાસકોના સ્ટેન્ડિંગ બજેટ માટે સ્વપક્ષના કોર્પોરેટરો અને ધારાસભ્યોની આગામી તા.રપ જાન્યુઆરીની સાંજે મેયર બંગલે મળનારી બેઠકમાં જંત્રીનો મુદ્દો ગાજશે. આ દરમ્યાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે સાંજે ચાર વાગ્યે મેયર ગૌતમ શાહને જંત્રીમાં અપાયેલી પ૦ ટકા રાહતને જાળવી રાખવા અંગે આવેદનપત્ર અપાશે તેમ કોંગ્રેસના નેતા દિનેશ શર્મા જણાવે છે.

You might also like