અમદાવાદની ૬૦૦ પૈકી ૮૦થી વધુ શાળાઅે કમિટી સમક્ષ ફી વધારો માગ્યો

અમદાવાદ: રાજ્યની ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે રચાયેલી ફી કમિટીના નિર્ણય સામે હાઈકોર્ટના ચુકાદા બાદ સુપ્રીમમાં ગયેલી ખાનગી શાળાઓ ૧ ફેબ્રુઆરીના રોજ થનારા હિયરિંગની રાહમાં છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે ત્યારે અમદાવાદની ૨૪ જેટલી ખાનગી શાળાઓએ તેમની દરખાસ્ત ફી કમિટી સમક્ષ રજૂ કરી દેતા તેમની ફીના ઓર્ડર ટૂંક સમયમાં ફી કમિટી જાહેર કરશે.

ફી કમિટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલીક શાળાઓએ ફી કમિટી સમક્ષ પ્રપોઝલ રજૂ કરી દીધી છે. આવી ૨૪ જેટલી ખાનગી શાળાઓએ ફી કમિટી સમક્ષ ચર્ચા અને હિયરિંગ બાદ કાયદા મુજબની ફી વસૂલવાની સંમતિ આપતાં આ શાળાઓના આગામી સપ્તાહે ઓર્ડર ઈશ્યૂ થશે.

સરકારના ફી વિધેયકના મામલે ૧ ફેબ્રુઆરીએ સુપ્રીમમાં સુનાવણી થશે ત્યાં સુધી કોઈ પણ શાળા સામે કાર્યવાહી ન કરવાના આદેશના પગલે ફી નિયમન કમિટી સમક્ષ દરખાસ્ત અને એફિડેવિટના મામલે ખાનગી શાળાઓએ ઉદાસિનતા દાખવી છે, પરંતુ કોર્ટમાં ગયેલી ૬૦૦ પૈકી ૮૦થી વધુ શાળાઓએ કમિટી સમક્ષ અરજી કરી દીધી હોવાનું જાણવા મળે છે.

શાળાઓનાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને માત્ર હવે ૨ મહિનાનો સમય બાકી છે ત્યારે વાલીઓમાં ફી ઓછી થશે કે નહીં, ક્યારે ફી નક્કી થશે અને ક્યારે ભરવાની થશે તે અંગે મૂંઝવણ છે. શહેરની કોર્ટમાં ગયેલી મોટા ભાગની શાળાઓમાં બીજા, ત્રીજા અને ચોથા ટર્મની ફી વાલીઓએ ભરી નથી તો શાળા સંચાલકો હવે ફી ભરવા દબાણ કરી રહ્યા છે, જેના કારણે વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે.

સુપ્રીમના જણાવ્યા અનુસાર જે શાળાઓએ ફી કમિટીને અત્યાર સુધી સોગંદનામું નથી આપ્યું તેમને ૧ ફેબ્રુઆરી સુધી રાહત છે, પરંતુ કેટલીક શાળાઓએ સ્વયંભૂ ફી કમિટી સમક્ષ દરખાસ્ત આપવાની ચાલુ કરી દીધી છે. આવી શાળાઓની સંખ્યા ૮૦થી વધુ છે તે અન્વયે ૨૪ શાળાઓની ફી ટૂંક સમયમાં જાહેર થશે.

અમદાવાદ ઝોનની ૧૧૦૧ શાળાઓએ તેમની ફીમાં કોઈ જાતનો વધારો-ઘટાડો કર્યો નથી. જ્યારે અમદાવાદ જિલ્લા પંચાયતની ૪૦૫ શાળાઓએ એફિડેવિટ કરી હતી, તેમાંથી ૫૧ શાળાઓએ કોર્ટનો આશરો લીધો હતો. અમદાવાદ ગ્રામ્યની ૩૦૯ શાળાઓએ એફિડેવિટ કરી હતી, જ્યારે ૩૪ શાળાઓએ ફી વધારાની દરખાસ્ત કરી હતી અને ૩૫ શાળાઓએ કોર્ટનો આશરો લીધો હતો. શહેરની જે શાળાઓ કોર્ટમાં ગઈ છે તેમાં ૩૩ સેન્ટ્રલ બોર્ડ, ૨૯૨ ગુજરાત બોર્ડ, ૭ આઈસીએસઈ, ૫ કે‌િમ્બ્રજ અને ૨ શાળા આઈબી બોર્ડની છે, જ્યારે ઝોનની કુલ ૬૦૦થી વધુ શાળાઓએ કોર્ટનો આશરો લીધો છે.

You might also like