૬૦થી વધુ કિડની વેચી અમદાવાદનો સુરેશ પ્રજાપતિ પોણા છ કરોડ કમાયો!

અમદાવાદ: અમદાવાદના ગોતા સફલ વિવાનમાં રહેતા સુરેશ પ્રજાપતિએ શ્રીલંકામાં 60થી વધુ લોકોની કિડની વેચી હોવાનું તેલંગણા નાલગૌંડા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.સુરેશ પ્રજાપતિ અને દિલીપ ઉમેદ ચૌહાણ અમદાવાદમાં રિયલ એસ્ટેટના ઓઠા હેઠળ છેલ્લાં સાડા ત્રણ વર્ષથી કિડની કૌભાંડ આચરતા હતા.સુરેશ પ્રજાપતિ સાથે સુરતના ધવલ દારૂવાલા સહિત અન્યોનાં નામો બહાર આવવાં પામ્યાં છે. ગુજરાત સહિત દેશભરમાં કિડની કૌભાંડ આ ટોળકી આચરતી હતી.

આ કૌભાંડમાં અમદાવાદના કોઈ ડોકટર કે એજન્ટ સામેલ છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે. સુરેશ પ્રજાપતિ કિડની વેચીને 5.72 કરોડ કમાયો હતો.જેમાં 44.50 લાખ એજન્ટોને કમિશન પેટે ચુકવવામાં આવ્યા હતા. એક કિડની વેચાણ કરતાં પાંચ લાખ કમિશન સુરેશ પ્રજાપતિને મળતું હતું. નાલગૌંડા પોલીસે આરોપી સુરેશ પ્રજાપતિના રિમાન્ડ મેળવ્યા હોય તપાસ માટે તેને અમદાવાદ લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

નાલગૌંડા પોલીસે જેનું નોકરાજુની 8મી જાન્યુઆરીના રોજ ધરપકડ કરીને પૂછપરછ કરતાં ભારતના ત્રણ લોકોની કિડની શ્રીલંકામાં ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું.જેમાં અમદાવાદમાં રહેતા સુરેશ પ્રજાપતિનું નામ બહાર આવ્યું હતું.નાલગૌંડા પોલીસ તપાસ માટે અમદાવાદ આવીને ક્રાઈમ બ્રાન્ચની મદદ માગી હતી.ક્રાઈમ બ્રાન્ચે સુરેશ પ્રજાપતિના મોબાઈલ નંબરના આધારે તેનું લોકેશન મેળવીને ઝડપી લીધો હતો.

આ વખતે સુરેશ પ્રજાપતિએ પોલીસને જણાવ્યું કે, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવા માટે દિલીપ ચૌહાણ મદદ કરતો હતો.જેને આધારે પોલીસે તેનું પાસ અર્થે લઈ જઈને તપાસ કરતાં 2012થી કિડની કૌભાંડ આચરવામાં આવતું હતું. કિડની જરૂરીઆત અને કિડની ડોનરો અંગે ફેસબુક અને વેબસાઈટની મદદ લેવામાં આવતી હતી.નાણાંની જરૂરિયાતવાળાઓની કિડની આશરે 30 લાખની આસપાસ મેળવવામાં આવતી હતી.જેમાં સુરેશ પ્રજાપતિ પાંચ લાખ મેળવતો હતો.જયારે કિડની આપનારને પાંચથી સાત લાખ ચુકવવામાં આવતા હતા.

ઉપરાંત શ્રીલંકાની હોસ્પિટલમાં ડોકટરો સહિત અન્યોને રકમ ફાળવવામાં આવતી હતી. શ્રીલંકાની હેમા હોસ્પિટલ,લંકન હોસ્પિટલ,વેસ્ટન હોસ્પિટલ અને નાવલોક હોસ્પિટલના પાંચ ડોકટર કિડની રેકેટમાં સામેલ છે. કિડની આપનારને શ્રીલંકામાં મોકવવા માટે સુરેશ વ્યવસ્થા કરી આપતો હતો. આ કૌભાંડમાં ગુજરાતમાં કેટલાકનાં નામો ખૂલે તેવી શકયતા છે. સુરેશ પ્રજાપતિએ ચાંદખેડામાં એક ઓફિસ પણ રાખી હતી.તેલંગણા રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે.તેલંગણા,આન્ધપ્રદેશ,તામિલનાડુના લોકોની હાલમાં કિડની વેચાઈ હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આરોપી સુરેશ પ્રજાપતિ,ધવલ દારૂવાલા સહિતના ફેસબુક એન્કાઉન્ટ પર વોચ રાખી રહ્યા છે.એટલુ જ નહીં ફેસબુક એન્કાઉન્ટથી સુરેશ સાથે કોણ સામેલ હતા તેની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં નાલગૌંડા પોલીસ સુરેશ સાથે સંપર્ક ધરાવનારની તપાસ માટે અમદાવાદ આવનાર હોવાનું જાણવા મળે છે. દિલીપ ચૌહાણ અત્યાર સુધી કેટલી કિડની વેચાણ કરનારના મેડિકલ ટેસ્ટ કરાવવા માટે લઈ ગયો તેની પોલીસે તપાસ શરૂ કરી છે. મેડિકલ ટેસ્ટ કયા કરાવવામાં આવતા તેની માહિતી નાલગૌંડા પોલીસે મેળવી છે. આગામી દિવસોમાં નાલગૌંડા પોલીસની એક ટીમ અમદાવાદ આવનાર હોવાનું જાણવા મળે છે.

સુરેશ પ્રજાપતિએ કયાં રોકાણ કર્યું
સુરેશ પ્રજાપતિએ પોલીસે સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, કિડની કૌભાંડમાંથી મળેલી રકમમાંથી 3 કરોડ રિયલ એસ્ટેટમાં નાખ્યા છે. 1કરોડ 40 લાખ અન્ય જગ્યાએ ઈન્વેસ્ટ કર્યા છે.30 લાખની ઓફિસ ખરીદી છે.27 લાખનું ફર્નિચર કરાવ્યું છે.જયારે 44.50 લાખ એજન્ટોને કમિશન પેટે આપ્યા છે.પોલીસ આ રકમના આધારે કેટલી લોકોની કિડની વેચાણ કરવામાં આવી તેનો તાગ મેળવી રહી છે.

શ્રીલંકાના કયા ડોકટરો સામેલ
શ્રીલંકાની નવલોક હોસ્પિટલના ડો.માધવા,ડો.મોનિક અને સાધના,હેમા હોસ્પિટલની ડો.ચમિલા,લંકન હોસ્પિટલની ડો.નિરોશીની અને વેસ્ટર્ન હોસ્પિટલના ડો.હબીબા શાહીફ કિડની કૌભાંડમાં સંડોવાયેલા છે. નાલગૌંડા પોલીસે પાંચેય ડોકટર સામે કાર્યવાહી હાથ ધરી છે.

You might also like