ઈ-ટ્રાન્સપોર્ટઃ 60,000થી વધુ પેટ્રોલ પંપ, ઈ-ચાર્જિંગ સ્ટેશન માત્ર 350

728_90

નવી દિલ્હી: એક બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. બીજી બાજુ વાહનોથી થતું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. બંને સમસ્યાઓનું સમાધાન સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાહનોમાં જોઇ શકાય છે.

પબ્લિક અને પર્સનલ ટ્રાન્સપોર્ટમાં ઇ-વાહનોની ભાગીદારી વધારવાનેે લઇ કેન્દ્ર સરકાર જેટલી ઝડપથી દાવા અને યોજનાઓ બનાવે છે તેટલી ઝડપથી જમીન પર માળખાગત સુવિધાઓ ઊભી થઇ શકી નથી. ર૦૩૦ સુધીમાં ૩૦ ટકા ઈ-વાહનોનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય, પરંતુ આટલી ગાડીઓને ચાર્જ કરવી સૌથી મોટો પડકાર બનશે.

ઇ-વાહનો માટે સૌથી પાયાની જરૂરિયાત હોય છે ચાર્જિંગ સ્ટેશનના મોટા નેટવર્કની. હાલની સ્થિતિમાં દેશમાં ૬૦,૦૦૦ પેટ્રોલ પંપ છે, પરંતુ ઇ-ચાર્જિંગ સ્ટેશન માત્ર ૩પ૦ છે. સરકારની યોજના આગામી ત્રણથી પાંચ વર્ષમાં ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક તૈયાર કરવાની છે. જે હેઠળ ૩૦,૦૦૦ સ્લો ચાર્જિંગ સ્ટેશન અને ૧પ,૦૦૦ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.

શહેરમાં દર ત્રણ કિલોમીટર પર બે હાઇ ચાર્જિંગ પોઇન્ટ અને એક ફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ લાગશે. હાઇવે પર દર પ૦ કિલોમીટર એક ચાર્જિંગ પોઇન્ટ લગાવવાની યોજના છે. આ સ્ટેશન પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનર‌િશપ ઉપરાંત કંપનીઓ દ્વારા પર્સનલી પણ લગાવાશે.

માત્ર દિલ્હી જેટલા મોટા શહેરમાં ૩,૦૦૦ ચાર્જિંગ સ્ટેશનની જરૂર પડશે. ઇલેક્ટ્રિક વાહનોને લઇ લાંબા સમયથી સરકારે કે કંપનીઓએ કોઇ પગલાં લીધાં નથી. આજ કારણ છે કે તે ભારતીય ગ્રાહકોની વચ્ચે લોકપ્રિય બની શક્યા નથી. ઓછી ડ્રાઇવિંગ રેન્જ, વધુુ કિંમત અને પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોની કમી તેમના ઓછા લોકપ્રિય હોવાનું કારણ છે.

હીરો ઇલેક્ટ્રિકના સીઇઓ સોહીન્દર ગિલે જણાવ્યું કે કુલ વાહનોમાં ૩૦ ટકા ઇલેક્ટ્રિક વાહનોનું લક્ષ્ય મેળવી શકાય છે. ઇન્ડસ્ટ્રી અને ટેકનોલોજી બંને સક્ષમ છે. આ માટે સરકારે એક ઇવી પો‌‌િલસી લાગુ કરવી પડશે, જોકે હજુ સરકાર તરફથી તસવીર સ્પષ્ટ થઇ નથી.

ઇ-વાહનોથી પ્રદૂષણ ઘટશે, પરંતુ તેને ચાર્જ કરવામાં વધુ વીજળીની જરૂર પડશે. અત્યારે આપણી કુલ વીજળી ઉત્પાદનક્ષમતા ૩.૪૪ લાખ મેગાવોટ છે, તેમાંથી પ૬ ટકા એટલે ૧.૯૬ લાખ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાં થાય છે.

ઇલેક્ટ્રિક વાહનોને સફળ બનાવવા માટે સોલર અને હાઇડ્રો પ્રોજેક્ટ જેવા રિન્યૂબલ સોર્સમાંથી વીજળીનું ઉત્પાદન વધારવું પડશે. આંતરરાષ્ટ્રીય સંગઠન આઇસીસીટીના રિપોર્ટ મુજબ ર૦રપ સુધીમાં ઇલેક્ટ્રિક કારની કિંમત પેટ્રોલ કાર કરતાં ઘટી જશે.

You might also like
728_90