રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે રામપુરમાં ૩૦૦થી વધુ ઈવીએમ મશીનો કામ કરી રહ્યાં નથી. જેના કારણે મતદાનની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અહીંના લોકોને ધમકાવી રહી છે અને અનેક ઈવીએમ મશીનોમાં ખરાબીના કારણે મતદાનની પ્રક્રિયા સાવ ધીમી અને મંથરગતિએ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રામપુરની બેઠક પર આઝમખાન સામે ભાજપે ફિલ્મ અભિનેત્રી જયાપ્રદાને મેદાનમાં ઉતારી છે અને બંને વચ્ચે ઘણા લાંબા સમયથી એક પ્રકારનું શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આઝમખાનના પુત્ર અબ્દુલ્લાએ એવો આક્ષેપ કર્યો છે કે રામપુરની બેઠક પરથી તેમના પિતા આઝમખાનનો પ્રચંડ વિજય થનાર છે અને તેથી અહીં ઈરાદાપૂર્વક ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે અને ૩૦૦થી વધુ ઈવીએમ કામ કરી રહ્યાં નથી.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે રામપુરમાં પોલીસ લોકોના ઘરમાં જઈને મતદારોને ધમકાવી રહી છે. મેં એવું પણ સાંભળ્યું છે કે લોકોને તેમની રાયફલ તૈયાર રાખવા કહેવામાં આવી રહ્યું છે. લોકોને ધમકાવવા અને ગભરાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે કે જ્યાંથી મારા પિતાનો સરળ વિજય થનાર છે.

દરમિયાન અબ્દુલ્લા આઝમખાને જયાપ્રદા અંગે કરેલાં નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાના ભાષણમાં જયાપ્રદા માટે અનારકલીનો શબ્દ કેમ ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોતાના ભાષણમાં તેમણે ભાજપના ઉમેદવારનું નામ લીધું ન હતું. રામપુરની સ્વાર-ટાંડા વિધાનસભા બેઠક પર સપાના ધારાસભ્યો અબ્દુલ્લા આઝમખાને ૨૧ એપ્રિલના રોજ પોતાના પિતા માટે પ્રચાર કરતા એક સભામાં જણાવ્યું હતું કે અમારે અલી અને બજરંગબલિની જરૂર છે, પરંતુ અનારકલી અમારે જોઈતી નથી.

You might also like