દેશની અદાલતોમાં ત્રણ કરોડ કેસ પેન્ડિંગ, હાઈકોર્ટમાં ૪૩ ટકા પદ ખાલી

નવી દિલ્હીઃ દેશની અદાલતોમાં કેટલાંય વર્ષ સુધી પેન્ડિંગ કેસની ઝડપથી સુનાવણી થાય તે માટે લાખો કોશિશો થઇ ચૂકી છે. તેમ છતાં પણ દેશની હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા એક કરોડ સુધી પહોંચવાની છે. હાલમાં આ સંખ્યા ૪૫ લાખ છે. દેશની ૨૪ હાઇકોર્ટમાં અત્યારે ૪૩ ટકા પદ ખાલી છે.
આ અદાલતોમાં જજોની સંખ્યા ૧૦૪૪ હોવી જોઇએ. આ સંખ્યા માત્ર ૫૯૯ છે. આંકડાની વાત માનીએ તો દેશની તમામ અદાલતોમાં થઇને કુલ પેન્ડિંગ કેસની સંખ્યા હાલમાં લગભગ ત્રણ કરોડ છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન જજોની નિયુક્તિની પ્રક્રિયા લગભગ રોકાઇ ગઇ છે. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની માન્યતાને લઇને ચાલી રહેલી સંવૈધાનિક લડાઇમાં આ નિમણૂકો લટકી પડે છે. આ સમિતિને સુપ્રીમ કોર્ટે રદ કરવાના આદેશ આપ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં પણ પાંચ પદ ખાલી છે. ગયા વર્ષે ૨૭ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ અમિતાભ ઠાકુરની નિયુક્તિ સુપ્રીમની આખરી નિમણૂક હતી. સુપ્રીમ કોર્ટમાં ૬૦ હજાર કેસ પેન્ડિંગ છે. હાઈકોર્ટમાં ૪૫ લાખ અને ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૨.૭૫ કરોડથી વધુ છે.

કુલ મળીને દેશની અલગ અલગ અદાલતોમાં અલગ અલગ સ્તર પર ૩.૨૫ કરોડ કેસ પેન્ડિંગ છે. જજોને ડર છે કે આ આંકડો આ વર્ષે ક્યાંક ૪ કરોડ સુધી પહોંચી ન જાય. જજોની એપોઇન્ટમેન્ટમાં થઇ રહેલા વિલંબના કારણે અને મોટી સંખ્યામાં ખાલી પદોના કારણે કોર્ટો ક્ષમતા કરતાં ઓછું કામ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટના જજોની નિયુક્તિ માટે કોલેજિયમની વ્યવસ્થાને ફરી વખત બહાલી અપાઇ છે. આ વ્યવસ્થા હેઠળ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં વરિષ્ઠ જજોનો એક સમૂહ જજોની નિયુક્તિ કરે છે. હાઇકોર્ટોમાં પણ આ જ પ્રકારનું એક કોલેજિયમ આ નિયુક્તિઓ માટે સલાહ આપે છે.

આ વ્યવસ્થા ફેબ્રુઆરીથી ફરી કામ શરૂ કરે તેવી આશા છે. આશા છે કે કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. ઠાકુરની સાથે વિમર્શ બાદ આ અંગે એક રૂપરેખાને અંતિમ રૂપ આપ્યા બાદ નિયુક્તિઓ શરૂ થઇ શકશે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં જજોની નિયુક્તિનો નિર્ણય કોલેજિયમ દ્વારા નક્કી કરાયેલા નામના આધારે થતો હતો, જેમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ સામેલ હતા.

You might also like