શહેરમાં ધો.૧૦-૧રની ૧૪પથી વધુ પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧ર માર્ચથી લેવાનારી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોર્ડ દ્વારા શહેરના ૧૪પથી વધુ કેન્દ્રને સંવેદનશીલ અને રપથી વધુ કેન્દ્રને અતિ સંવેદનશીલ જાહેર કરાયાં છે.

પરીક્ષા નિષ્પક્ષ યોજાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે એકશન પ્લાન ઘડાયો છે. પરીક્ષા ખંડ અને પરીક્ષા કેન્દ્રમાં કોઇ કર્મચારીને પ્રવેશ આપાશે નહીં. પરીક્ષાલક્ષી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ઓબ્ઝર્વર તેમજ સરકારી પ્રતિનિધિને બોર્ડ દ્વારા ઓળખપત્ર આપવામાં આવશે ઉપરાંત પરીક્ષાના દિવસો દરમિયાન તમામ કેન્દ્રની આસપાસ ૧૪૪ની કલમ અમલી બનશે અને હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. રાજ્યભરમાં કુલ ૧,પ૪૮ કેન્દ્ર નિયત કરાયાં છે.

જેમાં ધોરણ ૧૦ માટે ૯૦૮, વિજ્ઞાન પ્રવાહ માટે ૧૪૦ અને સામાન્ય પ્રવાહ માટે પ૦૦ કેન્દ્ર નિયત કરાયાં છે. ધોરણ ૧૦માં ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થી રજિસ્ટર્ડ થયા છે જ્યારે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ માટે ૪,૭૬,૬૩૪અને વિજ્ઞાન પ્રવાહ માટે ૧,૩૪,૬૭૧ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા છે.

અમદાવાદ શહેર માટે ધોરણ ૧રમાં પ૩ કેન્દ્ર નિયત કરાયાં છે. વિદ્યાર્થીને પડી રહેલી કોઇપણ તકલીફ માટે સવારના આઠથી સાંજના આઠ સુધી ૧૧મી માર્ચથી હેલ્પલાઇન કાર્યરત થશે. આ હેલ્પલાઇન ૧૮૦૦-ર૩૩-પપ૦૦ હાલમાં ૧૦થી ૬ કાર્યરત છે જે ૧૧મી માર્ચથી ૧ર કલાક માટે ચાલુ રહેશે. પહેલીવાર રાજ્યભરનાં કેન્દ્રના ૩૩ પ્રકારના નિયમો ડિસ્પ્લે થશે જેથી વિદ્યાર્થી તે વાંચીને ગેરરીતિ કરતાે અટકશે.

You might also like