પશ્ચિમ ઝોનમાં 130થી વધુ સ્થળ વરસાદી પાણીમાં ગરકાવ થશે

અમદાવાદ: ૨૪ જૂનની વહેલી સવારે શહેરમાં પડેલા સામાન્ય વરસાદથી પ્રી મોન્સૂન એકશન પ્લાન પાછળ ખર્ચેલા રૂ.૧૦ કરોડ ગટરમાં વહી ગયા હતા. બીજી તરફ શહેરની વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઈનમાં ગટરના અસંખ્ય ગેરકાયદે જોડાણથી પણ ચોમાસામાં વરસાદી પાણીનું વહન સરળતાથી થતું નથી.

સામાન્ય રીતે વાસણાથી મોટેરા અને બોડકદેવ, થલતેજ, વેજલપુર વગેરેનો સમાવેશ ધરાવતું પશ્ચિમ અમદાવાદ ‘સમૃદ્ધ’ ગણાય છે. તેમ છતાં તંત્રની બેદરકારીથી પશ્ચિમ અમદાવાદમાં ૧૩૦થી વધુ સ્થળ વરસાદી પાણીમાં ગરકાવ થશે.

કોર્પોરેશને ખુદ કબૂલ્યું છે કે એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડે તો ૬૩ સ્થળ જળબંબાકાર થશે. નવા પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડમાં સૌથી વધુ ૨૩થી વધુ સ્થળોએ વરસાદી પાણી કહેર મચાવશે. ત્યાર બાદ સરખેજ વોર્ડમાં ૧૭, ઘાટલોડિયા વોર્ડમાં ૧૫, ચાંદલોડિયા વોર્ડમાં ૧૪, વેજલપુર વોર્ડમાં ૧૨ સ્થળ અને થલતેજ વોર્ડમાં સુરધારા સર્કલ, ગુલાબ ટાવર રોડ, સિલ્વર કાસા, જલસા પાર્ટી પ્લોટ, ગુરુકુળ રોડ, વિશ્વાસનગર એમ કુલ ૮ સ્થળ પાણીમાં ગરકાવ થશે.

જ્યારે વાસણા વોર્ડથી ચાંદખેડા-મોટેરા વોર્ડનો સમાવેશ ધરાવતા પશ્ચિમ ઝોનમાં એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડે તો જળબંબાકાર થનારાં સ્થળોની યાદીમાં આ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા તૈયાર કરાઈ છે. આ યાદીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે થયેલા બેરિકેટિંગ વગેરેના કારણે વરસાદી પાણી ભરાવવાના નવાં સ્થળો ઉદભવ્યાં હોવાનો તંત્ર નિખાલસ એકરાર કરે છે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળના વાસણા એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ સુધીના ઉત્તર-દક્ષિણ કોરિડોરના ૧૮.૫૨ કિમી લાંબા પ્રોજેક્ટથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાની વૃદ્ધિ થઈ છે. મોટેરા, વિજય ચાર રસ્તા, હેલ્મેટ ચાર રસ્તાએ ઓછાંમાં ઓછાં ૨૭ સ્થળ પર વરસાદી પાણી કાળો કહેર વર્તાવશે.

બીજી તરફ તંત્ર દ્વારા મેટ્રો રેલ રૂટ પર વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે ૨૨ નવી કેચપિટ બનાવાઈ છે. જો કે સમગ્ર પશ્ચિમ ઝોનમાં ઈજનેર વિભાગ દ્વારા ૧૦૧ નવી કેચપિટ અને ૪૯ નવા મેનહોલ બનાવ્યા છે.

પશ્ચિમ ઝોનમાં વાસણા બેરેજ રોડ ઉપર પણ તેની ભૌગોલિક સ્થિતિને કારણે આ ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણી નાગરિકોને મુસીબતમાં મૂકશે. જીવરાજ પાર્ક ખાતેનો પ્રજાપતિ ગાર્ડન, મેયર બીજલબહેન પટેલના પાલડી વોર્ડમાં ધરણીધર ચાર રસ્તા, વિકાસગૃહ, અશોકનગર, ઓપેરા સોસાયટી જેવા વિસ્તારમાં લોકોને આ ચોમાસામાં પણ વરસાદી પાણીના ત્રાસથી છુટકારો નહીં મળે.

You might also like