વધુ ભણવાથી વધુ પગાર શું કામ ન મળે?

જીવનના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. માનવીની જ્ઞાનવૃદ્ધિ કેળવણી મારફતે જ શક્ય બને છે. જ્ઞાન એ એકવીસમી સદીનું બ્રહ્માસ્ત્ર છે. જરૂરી નથી કે દર વખતે ચોપડિયું ભણતર જ્ઞાનવર્ધક બને. દુનિયામાં મોટાભાગના લોકોની રોજીરોટી નોકરી સાથે જોડાયેલી છે અને એ નોકરી ક્રિએટિવિટી અને સ્કિલના આધારે મળે છે. એ સ્કિલનું ડેવલપમેન્ટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાંથી થાય છે. સારી નોકરી મેળવવા માટે સંખ્યાબંધ ડીગ્રી કે વધુ ભણતરની જરૂર નથી પણ અનુભવની આવશ્યકતા રહે છે.

બાથ અને વેસ્ટ મિનસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ સંશોધન કર્યું હતું કે, એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં તમે જેટલો વધુ સમય આપો છો તેટલી તમે અનુભવ મેળવવાની તક ગુમાવો છો. જેટલાં વર્ષ શૈક્ષણિક કાર્ય માટે જરૂર કરતાં વધારે આપશો એટલો કમાણીનો હિસ્સો ઘટશે. ભણતાં હોય એ સમયે કમાણીનો વિકલ્પ હોતો નથી એટલે એ ખર્ચાળ પણ બને છે. તમારા હાથમાં ગમે તેટલી ડીગ્રી હશે પણ તમારું મૂલ્યાંકન તો ફ્રેશરના આધારે જ થશે.

ડૉ. મિટ ડિક્સન કહે છે કે, “૧૯૭૨ પછી દુનિયાભરમાં શિક્ષણક્ષેત્રે અનેક સુધારાઓ આવ્યા. પ્રાથમિક કક્ષાનું ભણતર તરુણ વયે એટલે કે ૧૩ વર્ષની આસપાસ પૂરું થઈ જતું હતું એ હવે અંદાજે અઢાર વર્ષ સુધી પહોંચ્યું છે. જેના લીધે આગળનો અભ્યાસક્રમ પણ લંબાય છે. એજ્યુકેશનમાં વધુ સમય આપવાથી પ્રેક્ટિકલ અને એક્સપિરિયન્સનાં વર્ષ ઘટે છે.”

સંશોધકોએ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ ડેટાને ધ્યાનમાં રાખીને ૧૯૭૨ પછી આવેલા શૈક્ષણિક સુધારાની કરિયર પર શું અસર પડે છે તેનું સંશોધન કર્યું હતું. સંશોધકોનું કહેવું છે કે એજ્યુકેશન મેળવવા માટે વધુ સમય વિતાવવાનો અર્થ એ નથી કે તમે ધનિક બની જશો, પરંતુ જે વ્યક્તિએ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં વધારે સમય કાઢ્યો છે તેની આવક મોડી શરૂ થાય છે. ૩૦ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી તેનો પગાર એકદમ સાધારણ રહે છે.

You might also like