આજે ડોલર સામે રૂપિયો વધુ ૩૭ પૈસા ડાઉન

અમદાવાદ: આજે ડોલર સામે રૂપિયો વધુ તૂટ્યો હતો. આજે શરૂઆતે રૂપિયો ૩૭ પૈસા નીચા મથાળે એટલે કે ૬૭.૬૨ની સપાટીએ ખૂલ્યો હતો. નોંધનીય છે કે પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૭.૨૫ની સપાટીએ બંધ જોવાયો હતો.ફોરેક્સ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા જાહેર થતાં હવે અમેરિકાની નાણાકીય નીતિમાં ધરખમ ફેરફાર આવી શકે છે. ખાસ કરીને ફાઇનાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નીતિ બદલાઇ શકે છે. આવા સંજોગોમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતાઇની અસરથી રૂપિયામાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી.

એટલું જ નહીં પાછલા સપ્તાહે સરકારે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બંધ કરતાંની સાથે સ્થાનિક બજારમાં ડોલરની માગમાં ઉછાળો નોંધાયો હતો અને તેના કારણે સ્થાનિક બજારમાં રૂપિયો તૂટી રહ્યો છે. કાળાં નાણાંધારકોએ સોનાની સાથેસાથે ડોલરમાં પણ માગ વધારતાં તેની અસરથી રૂપિયામાં વધુ ગાબડાં પડ્યાં છે.

You might also like