રેટિંગ એજન્સીઓ માટે નિયમ વધુ સખત

મુંબઇ: શેરબજાર નિયમન એજન્સી સેબીએ રેટિંગ એજન્સીઓ માટે ડિસક્લોઝરના નિયમો વધુ સખત બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે રેટિંગ એજન્સીએ મનમાની રીતે રેટિંગ આપવું મુશ્કેલરૂપ સાબિત થશે. એટલું જ નહીં જે કંપનીઓને રેટિંગ આપવામાં આવે છે તે માટે પણ નિયમ સખત બનાવવામાં આવશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સેબીના આ પ્રકારનાં પગલાંને કારણે રોકાણકાર માટે રોકાણ કરતાં પહેલાં કોઇ પણ કંપનીને સમજવા અંગે વધુ સરળતા રહેશે, કેમ કે રોકાણકારો રેટિંગ એજન્સીને અાધારે અપાયેલા રેટિંગને ધ્યાનમાં લઇને પછી જ રોકાણ કરે છે.

સેબીના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ માટે ડિસક્લોઝરના નિયમો સખત બનાવવા કેટલાય સમયથી માગ થતી રહેતી હતી.

સેબીની પાસે પાછલા કેટલાય સમયથી ફરિયાદો આવી રહી હતી કે રેટિંગ એજન્સીઓ પોતની મરજીથી કંપનીઓ ઉપર પસંદગી ઉતારી તે અંગે રેટિંગ આપતી હતી. સેબી પાસે ક્રેડિટ રેટિંગ એજન્સી ઉપર નિયમન કરવાનો પણ અધિકાર છે. સેબીના જણાવ્યા પ્રમાણે રેટિંગ એજન્સીઓ સંબંધે ડ્રાફ્ટ અંતિમ તબક્કામાં છે. સેબી ટૂંક સમયમાં આ ડ્રાફ્ટને બોર્ડ સમક્ષ રજૂ કરશે.

You might also like