૨૦૧૭માં સોના કરતાં શેરબજારમાં મળ્યું વધુ રિટર્ન, જાણો કેટલું..

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૭ પૂરું થવાને માંડ બે સપ્તાહની વાર છે ત્યારે રિટર્નના દૃષ્ટિકોણથી જોઇએ તો વર્ષ દરમિયાન શેરબજારમાં ૨૬ ટકાથી પણ વધુનું રિટર્ન મળ્યું છે, જેની સામે સોનામાં સાધારણ પાંચ ટકા જેટલું રિટર્ન મળ્યું છે.

રસપ્રદ બાબત એ છે કે ચાંદીમાં પાછલા વર્ષની સરખામણીમાં નીચા ભાવ જોવા મળી રહ્યા છે. એક વર્ષમાં ચાંદીના ભાવ પ્રતિકિલોએ ૧૫૦૦ રૂપિયા નીચા છે, જ્યારે ટકાવારીની દૃષ્ટિએ માઇનસ ચાર ટકા રિટર્ન મળી રહ્યું છે.

વિદેશી સંસ્થાગત રોકાણકારોના સતત રોકાણના પગલે શેરબજારમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી છે. ખાસ કરીને રિયલ્ટી સેક્ટર, બેન્ક સેક્ટર તથા કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરના શેરમાં વિદેશી રોકાણકારોએ ઊંચું રોકાણ કરતા તથા મ્યુચ્યુઅલ ફંડે પણ રોકાણ વધારતાં શેરબજારમાં આગેકૂચ જારી રહી છે અને તેની અસરથી ચાલુ કેલેન્ડર વર્ષમાં શેરબજારમાં ૨૬ ટકાનો સુધારો જોવા મળ્યો છે.

તેની સામે સોનામાં પાંચ ટકાનું રિટર્ન મળ્યું છે. એક વર્ષમાં ૧૦ ગ્રામ શુદ્ધ સોનામાં રૂ. ૧૪૦૦નો ઉછાળો જોવા મળ્યો છે. હાલ સોનાના ભાવ ૨૯,૮૦૦થી ૨૯,૯૦૦ની સપાટીએ જોવા મળી રહ્યા છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના અંતમાં સોનાના ભાવ ૨૮,૪૦૦ની સપાટીએ જોવા મળ્યા હતા.

જ્યારે ડોલરમાં રોકાણ કરનારા વર્ષ દરમિયાન ધોવાયા હતા. કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ડોલર સામે રૂપિયો ૬.૧૨ ટકા મજબૂત થયો હતો. ડિસેમ્બરના અંતમાં રૂપિયો ૬૭.૯૨ની સપાટીએ જોવા મળ્યો હતો, જે હાલ આજે ૬૪ની સપાટીએ ખૂલેલો જોવા મળ્યો છે. ઊંચા વિદેશી રોકાણના પગલે રૂપિયામાં મજબૂત ચાલ જોવા મળી છે.

You might also like