હા, એનામાં ઘણાં પ્રૉબ્લેમ્સ છે…

એરેન્જ્ડ મેરેજ યોગ્ય કે લવમેરેજ ‘એકમેકનાં મન’ સુધીમાં આ વાત વાંચીને ત્રીસેક વર્ષની મનસ્વીએ એની સહેલી સાથે થયેલી વાત લખી મોકલી છે. મા-બાપ કે ભાઈ-બહેનની ટેવ-કુટેવ જેટલી સહજ હોય છે એટલી સહજતા લગ્ન પછી જોડાતા સંંબંધોમાં કેમ નથી આવતી ક્યાં શું ખૂટે છે?

મનસ્વીનાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. થોડા દિવસો પહેલાં એની સાથે ભણતી અને ખાસ બહેનપણી એવી શીતલ સાથે એની મુલાકાત થઈ. શીતલનાં લગ્નને હજુ છ જ મહિના થયા છે. એને એની સાથે રહેતાં સાસરા પક્ષના અનેક સભ્યો સાથે પ્રૉબ્લેમ્સ છે. કોઈની એક ટેવ નથી ગમતી તો કોઈની બોલવાની સ્ટાઈલ નથી ગમતી. કોઈ ઘરમાં વ્યવસ્થિત નથી લાગતું તો કોઈને વડીલો સામે બોલવાની મેનર્સ નથી.

મનસ્વી કહે છે, “શીતલનાં લગ્નમાં હું ગઈ હતી ત્યારે એણે ઘરના તમામ લોકોનાં એટલાં વખાણ કરેલાં કે એણે જ્યારે મને એકએક સભ્યની ફરિયાદ ગણાવવા માંડી ત્યારે મને આશ્ચર્ય થયું. હવે એને આ સંયુક્ત પરિવારમાંથી મુક્તિ જોઈએ છે. એને એવું લાગે છે કે પતિ સાથે એની કોઈ જિંદગી જ નથી રહી. તમામ લોકોના મૂડ અને સ્વભાવ પ્રમાણે એણે જીવવું પડે છે. સામેવાળી વ્યક્તિને શીતલના મૂડ કે મજા સાથે કોઈ મતલબ નથી એ ગ્રંથિ એના મનમાં એવી ઘર કરી ગઈ છે કે જેને દૂર કરવી અઘરી છે.”

શીતલે મનસ્વીને સવાલ કર્યો કે,”તને તારા સાસરા પક્ષના લોકો સાથે કદીય કોઈ વાંધો નથી પડતો? તું કઈ રીતે આટલી ખુશ રહી શકે છે? તારા સાસરે પણ સંયુક્ત પરિવાર છે, શું બધાંય તારી મરજી પ્રમાણે જીવે છે બધાં તને એડજસ્ટ થઈને રહે છે?” મનસ્વીએ હસીને સહેલીનો હાથ પોતાના હાથમાં લીધો અને એને થપથપાવતાં વાતને આગળ વધારી કે મારી બહેન, આપણી સાથે જીવતાં દરેક લોકોની આદત અને સ્વભાવ આપણને ગમે એવાં જ હોય તો જિંદગીમાં મજા શું? તું એક વાત કહે કે, શું પિયરમાં દરેક સ્વજનનો સ્વભાવ તને ગમે એવો જ હતો? અલગઅલગ આદતો અને સ્વભાવવાળા લોકોને કેવી સહજતાથી ચલાવી લેતી હતી કેટલીક વાર તો આપણાં સ્વભાવનો ગેરફાયદો કે ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને અનેક લોકો આપણને મૂરખ પણ બનાવી જાય. છતાંય આપણે ચલાવી લેતાં હતાંને? સાસરે પણ એવી સહજતાથી રહેવું થોડું અઘરું છે પણ કોશિશ તો કરી જ શકાય.

શીતલે કહ્યું કે, “પિયરના સભ્યોની વાત અલગ છે એ મારાં પોતાના છે. એ બધાં સાથે હું બાળપણથી મોટી થઈ છું એટલે જિંદગી સાથે એટલાં વણાઈ ગયા છીએ કે કોઈનું કંઈ માઠું નથી લાગતું. કોઈની આદત કે કુટેવ પણ એવી અકળવાતી નથી, કેમ કે એમની સાથે જ ઉછરીને આપણે મોટા થયા હોઈએ છીએ. ”

મનસ્વી કહે છે, “આપણે એવું માનતાં હોઈએ છીએ કે આપણા સ્વભાવમાં કોઈ ખામી નથી અથવા તો આપણામાં કોઈ કુટેવ નથી. આપણા પોતાના સ્વભાવની મર્યાદાને સ્વીકારીને સામેવાળી વ્યક્તિ કંઈ કહે નહીં એટલે આપણામાં કોઈ પ્રૉબ્લેમ જ નથી એ વાત માનવી વધુ પડતી છે. દરેક વ્યક્તિમાં કોઈ મર્યાદા હોવાની, કોઈ સારી વાત હોવાની, કોઈ અણગમતી વાત પણ હોવાની ઘણુંબધું પસંદ ન પડે એવું હોય તો પણ મનથી જોડાયેલી વ્યક્તિને આપણે પ્રેમ કરવાનું નથી છોડી દેતા. મારા પતિમાં મને અનેક પ્રૉબ્લેમ્સ દેખાય છે છતાં હું એને પ્રેમ કરું છું અને જે છે તે છે એમ સ્વીકારીને કદીય એને બદલવાની કોશિશ નથી કરતી. તો સામી બાજુ મારા પતિ પણ મારી ખામીઓ અંગે કદીય ફરિયાદ નથી કરતા. મારી અનેક મર્યાદા છે પણ એ મર્યાદા સાથે એમણે મને સ્વીકારી છે. અમારા પરિવારમાં કોઈ આવે તો એમને એવું જ લાગે કે આ કોઈ ક્રેઝી ફેમિલી છે. પણ બધાંને જેમ જીવવું છે એ રીતની સ્વતંત્રતા અને મર્યાદાની એટલી સમજ છે કે ખાસ કોઈ પ્રૉબ્લેમ્સ નથી થતાં.

કોઈ વખત દલીલો થાય, ઝઘડા પણ થાય છે. એ પછી કેવી રીતે વિવાદ કે ઝઘડાને પતાવવો છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. મનમાં કોઈ અણગમાને ઘૂંટ્યે રાખવાથી તમારું પોતાનું મન જ દુઃખી થતું હોય છે. હકીકત એ હોય છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. બધાંની ખામીઓ અને ખૂબીઓમાં સહજતા સાથે પ્રેમ ઉમેરાય ત્યારે જ જિંદગી કે પરિવાર કમ્પ્લીટ બને છે.

જ્યોતિ ઉનડકટ

You might also like