કોંગ્રેસના વધુ છ બેઠકના ઉમેદવાર આજે જાહેર થવાની શક્યતા

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજ્યમાં લોકસભાની ર૬ બેઠક પૈકી ગત તા.૮ માર્ચે ચાર બેઠકના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. ત્યાર બાદ અન્ય બેઠકોના ઉમેદવારની પસંદગીના મામલે ભારે કશ્મકશ સર્જાતાં ગુજરાતની બીજી યાદી પ્રસિદ્ધ કરાઇ નથી. જોકે આજે સાંજે રાજ્યની વધુ છ બેઠકના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કરાશે તેવી શક્યતા છે.

આણંદથી ભરતસિંહ સોલંકી, અમદાવાદ પૂર્વથી રાજુ પરમાર સહિત રાજ્યની ચાર બેઠકના ઉમેદવારની જાહેરાત કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કરાઇ ચૂકી છે. પરંતુ અન્ય બેઠકોની જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો હોઇ આ બાબતે રાજકીય વર્તુળોમાં વિવાદાસ્પદ બની છે.

જોકે પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે મોડામાં મોડું આજે સાંજ સુધીમાં વધુ છ બેઠકના ઉમેદવારની પસંદગી થઇ જશે ગાંધીનગરથી સી.જે. ચાવડા, બારડોલીમાં તુષાર ચૌધરી, પાટણથી જગદીશ ઠાકોર, કચ્છથી નરેશ મહેશ્વરી, નવસારીમાં ધર્મેશ પટેલ અને પંચમહાલથી વી.કે. ખાંટને ચૂંટણીજંગમાં ઉતારાય તેવી પ્રબળ શક્યતા છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગત લોકસભાની ચૂંટણીમાં દાહોદથી ડો.પ્રભા તાવિયાડને એક માત્ર મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતારાયાં હતાં. આ વખતે હજુ સુધી એક પણ મહિલા ઉમેદવારની પસંદગી કરાઇ નથી. જોકે દાહોદ બેઠકથી ડો.તાવિયાડને રિપિટ કરાય તેમજ અમરેલી અને ભાવનગર બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ અપાય તેવી શક્યતા પણ આ ટોચના સૂત્રોએ વ્યક્ત કરી છે.

You might also like