વટવાના દંપતીઅે ૧૦૦ની અનેક જાલી નોટો બજારમાં ફરતી કરી દીધી

અમદાવાદ: અંક્લેશ્વરના રાજપીપળા રોડ પર આવેલા એક મેડિકલ સ્ટોરમાં રૂપિયા ૧૦૦ની બનાવટી નોટ વટાવવાની ફિરાકમાં ફરતા અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા એક દંપતીને મેડિકલ સ્ટોરના સંચાલકે ઝડપી પાડીને પોલીસને સોંપ્યાં હતાં. દંપતીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે વટવા વિસ્તારમાં આવેલા તેમના ઘરમાં જ પ્રિન્ટરમાં ૧૦૦ રૂપિયાના દરની બનાવટી નોટ પ્રિન્ટ કરીને બજારમાં વહેતી કરીને રાતોરાત માલામાલ થવાનો તેમનો પ્લાન હતો. ક‌િરયાણાની દુકાન, મે‌િડકલ સ્ટોર તેમજ જનરલ સ્ટોર પર જઇને ૧૦૦ રૂપિયાની બનાવટી નોટ આપીને ૧૦ થી રપ રૂપિયાની ચીજવસ્તુ ખરીદવાની. આ દંપતીની પૂછપરછમાં દસ હજાર કરતાં વધુની નકલી નોટથી ચીજવસ્તુઓ ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

રાજપીપળા રોડ પર આવેલ મેડિકલ સ્ટોર પર એક મહિલા રપ રૂપિયાની ટુથપેસ્ટ લેવા માટે આવી હતી. મે‌િડકલ સ્ટોર પર તેણે ૧૦૦ રૂપિયાની નકલી નોટ આપી હતી. મે‌િડકલ સ્ટોરના સંચાલકે તે નકલી નોટ હોવાનું કહેતાં તે મહિલાને પકડી પાડી હતી. અમિત ચૌધરી નામનો વેપારી તે દુકાન પર આવ્યો હતો અને મહિલાએ કલર લેવાનું કહીને ૧૦૦ રૂપિયાની નકલી નોટ પધરાવવાનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

મહિલા નકલી નોટ વટાવીને ચીજવસ્તુઓ ખરીદવા માટે નીકળી હોવાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ભેગા થઇ ગયા હતા અને મહિલાની બેગની તપાસ કરી હતી. દરમિયાન તેનો પતિ બાઇક પર ત્યાં આવી પહોંચ્યો હતો, અમે એનઆરઆઇ છીએ, અમે આવું ના કરીએ તેમ કહી રહ્યો હતો.

આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પૂછપરછ શરૂ કરી હતી. તેમની પૂછપરછમાં તેમનાં નામ રશીદખાન અબ્દુલવહાબ પઠાણ તેમજ શહેનાઝ રશીદખાન પઠાણ હોવાનું તેમજ તેઓ મૂળ અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા નિઝામનગરનાં રહેવાસી હોવાનું ખૂલ્યું હતું અને હાલમાં ભરૂચના શેરપુરા ગામે રહેતાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેમની તપાસ કરતાં મહિલા પાસેથી ૧૦૦ રૂપિયાના દરની રપ નકલી નોટ, અલગ દરની અસલી પ૦, ર૦, ૧૦, પ રૂપિયાની નોટો મળી કુલ ૪૦૮પ રૂપિયા મળી આવ્યા હતા.

You might also like