શેરબજાર, સોના-ચાંદી, રિયલ્ટી કરતાં તુવેરની દાળ, લસણ, ડુંગળીમાં વેપારીઓને વધુ લાભ

અમદાવાદ: વર્ષ ૨૦૧૫ કોમોડિટી કારોબારીઓ માટે બમ્પર રિટર્ન આપનારું બન્યું છે. સામાન્ય રીતે રોકાણકારો શેરબજાર, સોના-ચાંદી અને રિયલ્ટી સેક્ટરમાં રોકાણ કરતા હોય છે અને એવરેજ ૧૦થી ૨૦ ટકા સુધી વાર્ષિક રિટર્ન મેળવતા હોય છે, પરંતુ આ વખતે તુવેરની દાળ, લસણ અને ડુંગળીનો કારોબાર કરતા કારોબારીઓ વધુ ફાવ્યા છે. આ કારોબારીઓને ૩૦૦ ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. ૨૦૧૫માં ડુંગળીના ભાવ રૂ. ૭૦થી ૮૦ પર પહોંચી ગયા હતા. વર્ષ ૨૦૧૫ની શરૂઆતમાં તુવેરની દાળનો ભાવ રૂ. ૬૦થી ૭૦ જોવા મળતો હતો તે હાલ રૂ. ૧૬૦થી ૧૭૦ની વચ્ચે જોવા મળી રહ્યો છે. અે જ પ્રમાણે લસણના ભાવ રૂ. ૭૦થી ૧૦૦ જોવા મળતા હતા તે હાલ રૂ. ૨૫૦થી ૩૦૦ પ્રતિકિલોની સપાટીએ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ સેન્સેક્સમાં વર્ષ ૨૦૧૫માં ૫.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ૨૦૧૫માં સોનામાં રૂ. ૧૬૦૦નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવ પ્રતિકિલોએ રૂ. ૩૩૦૦ એક વર્ષમાં ઘટ્યા છે. એ જ પ્રમાણે રિયલ્ટી બજાર પણ પાછલા કેટલાય સમયથી મંદીના માહોલમાં સપડાયું છે.

આ વર્ષે પેટ્રોલના ભાવ ઘટ્યા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જોવા મળેલા ઘટાડાના પગલે સ્થાનિક બજારમાં પણ ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. પાછલા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં ૩.૮૮ પૈસાનો પ્રતિલિટરે ઘટાડો નોંધાયો છે. ડીઝલમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

સંતરાં અને સફરજના શાકભાજીના ભાવે
બજારમાં હાલ ૨૦ રૂપિયે કિલો સંતરા વેચાઇ રહ્યાં છે, જ્યારે સફરજન રૂ. ૬૦થી ૭૦ના કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. શહેરમાં વેચાતાં કેટલાંક શાકભાજી જેવા કે ટીંડોરા, ગવાર, ચોળી, ભીંડા વગેરે હાલ આ ભાવે વેચાઇ રહ્યાં છે.

You might also like