માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે આ વર્ષે વધુ એક વૈકલ્પિક માર્ગ ખૂલશે

જમ્મુ: શ્રી માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે આ વર્ષે વધુ એક વૈકલ્પિક માર્ગ ખૂલે તેવી સંભાવના છે. આ માટે આગામી એપ્રિલમાં નવો તારાકોટા-આદકુવારી માર્ગ ખુલ્લો થાય તેવી સંભાવના છે, જે જૂના માર્ગથી થોડો લાંબો રહેશે, પરંતુ આ માર્ગ પર સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આ‍વી છે.

હાલમાં બાણગંગાથી આદકુવારી સુધી લગભગ છ કિલોમીટરનો માર્ગ છે, તેમાં ભાવિકો ઉપરાંત ઘોડા અને ખચ્ચર પણ ચાલે છે, પરંતુ નવો માર્ગ ૭.૪ કિમી લાંબો છે. આ માર્ગ કટરા સાથે સંકળાયેલા બાલનીથી શરૂ થશે અને આદકુવારીમાં બનેલા બીજા માર્ગ સાથે જોડાઈ જશે.

તેનું જોડાણ બાણગંગા સાથે પણ કરવામાં આવી રહ્યું છે. આ માર્ગ પર માત્ર ભાવિકોને પગપાળા જવાની જ અનુમતી મળશે. જ્યારે ઘોડા કે ખચ્ચરને આ માર્ગ પર લઈ જઈ નહિ શકાય. આ માર્ગ પર કેટલીક જગ્યાએ ભૂસ્ખલનથી કેટલાક ભાવિકોને ઈજા થવાની અથવા કેટલાંક મોતને ભેટતા હોવાની ઘટના પણ બને છે. તેથી આ નવા માર્ગમાં આવી બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ માટે નવા માર્ગ પર મોડ્યુલર શેડ બનાવવામાં આ‍વી રહ્યો છે, જેમાં એક કિલોમીટર પર આ શેડ બનાવવામાં પાંચ કરોડનો ખર્ચ આવી રહ્યો છે. આ શેડ પર જો કોઈ પથ્થર પડે તો તે શેડને તોડી નહિ શકે. તેની છત પર ખાસ પ્રકારની સ્પ્રિંગ લાગેલી હશે, જે પથ્થરને નીચે પડવા નહિ દે. આ રીતે સમગ્ર માર્ગને સુંદર બનાવવામાં આવી રહ્યો છે.

માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના એડિશનલ સીઈઓ અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર આ નવા માર્ગમાં ભાવિકોને તમામ સુવિધા મળી રહે તે માટે ધ્યાન રખાયું છે, જેમાં પ્રાથમિક ચિકિત્સાલય અને કોફી કોર્નરની સુવિધા તેમજ વયોવૃદ્ધ સારી રીતે ચાલી શકે તે માટે ટાઈલ્સ તેમજ ભોજનાલય અને પાણીની પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

You might also like