અચાનક બોલિવૂડ છોડી ગઈ આ સુંદર અભિનેત્રીઓ

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમની સુંદરતા, એક્ટિંગ બધું બોલિવૂડમાં વખણાયું હતું. તે લોકપ્રિય પણ બની હતી, પરંતુ અચાનક કોઈક કારણસર આ અભિનેત્રીઓ બોલિવૂડ છોડીને ચાલી ગઈ. આવી જ એક અભિનેત્રી છે, આયશા ઝુલ્કા. ૯૦ના દાયકાની લોકપ્રિય બની ચૂકેલી અભિનેત્રી આયશા ઝુલ્કા હવે ૪૫ વર્ષની થઈ ચૂકી છે. તેનો જન્મ ૨૮ જુલાઈ, ૧૯૭૨ના રોજ શ્રીનગરમાં થયો હતો. તેણે ૧૧ વર્ષની ઉંમરે ફિલ્મ ‘કૈસે કૈસે લોગ’ (૧૯૮૩)થી કરિયર શરૂ કરી. ૨૦૧૦ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી આયશાએ પોતાની ૨૭ વર્ષની કારકિર્દીમાં ૫૨ ફિલ્મોમાં કામ કર્યું. આયશાની કરિયર ‌પીક પર પહોંચી અને તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું.

આયશાએ વર્ષ ૨૦૦૩માં બિઝનેસમેન સમીર વાશી સાથે લગ્ન કર્યાં. તે બંનેની એક પુત્રી પણ છે. ૧૧ વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કરનારી આયશાએ ‘ખિલાડી’, ‘જો જીતા વહી સિકંદર’, ‘બલમા’, ‘રંગ’ અને ‘વક્ત હમારા હૈ’ જેવી સફળ ફિલ્મો આપી. તેણે આમિર ખાન, સલમાન ખાન અને અક્ષયકુમાર જેવા ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે. આયશાએ કહ્યું હતું કે કરિયર ખતમ કરવા માટે ફિલ્મો ફ્લોપ થાય તેની રાહ જોવી તેના કરતાં યોગ્ય સમયે આગળ વધવું જોઈએ. આયશાની જેમ જ ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ હતી, જેમણે બોલિવૂડને અચાનક જ અલવિદા કહી દીધું.

રાજ કપૂરના ડિરેક્શનમાં બનેલી ‘રામ તેરી ગંગા મૈલી’માં મંદાકિનીએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે તેની કરિયરને નવા મુકામે પહોંચાડી. મંદાકિનીએ સફળ થવા માટે આ ફિલ્મમાં કેટલાક એવા સીન પણ આપ્યા, જે આજે પણ પોપ્યુલર છે. તેને બોલ્ડ સીન આપવામાં પણ વાંધો ન હતો. તેથી તેની કરિયર ઝડપથી આગળ વધતી રહી. ૧૯૮૫માં ફિલ્મ ‘મેરા સાથી’થી શરૂ થયેલી મંદાકિનીની સફર ૧૯૯૬માં ‘જોરદાર’ સાથે પૂરી થઈ. ૯૦ના દાયકામાં દર્શકોનાં દિલ પર રાજ કરનારી મંદાકિની હાલમાં તિબ્બટિયન યોગના ક્લાસીસ ચલાવે છે અને દલાઈ લામાની ફોલોઅર પણ છે.

સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી ડેબ્યૂ કરનારી ભાગ્યશ્રીએ ૧૮ વર્ષની ઉંંમરમાં ફિલ્મોને અલવિદા કહી લગ્ન કરી લીધાં. તેણે ‘મૈંને પ્યાર કિયા’ બાદ ‘ત્યાગી’, ‘પાયલ’, ‘ઘર આયા મેરા પરદેશી’ જેવી ફિલ્મો કરી, જે ફ્લોપ રહી.
બોલિવૂડની મશહૂર અભિનેત્રી સાયરાબાનુએ લગ્ન બાદ એક્ટિંગને અલવિદા કહી દીધી હતી. સાયરાએ ૨૨ વર્ષની ઉંમરમાં બોલિવૂડ સુપરસ્ટાર દિલીપકુમાર સાથે લગ્ન કર્યાં હતાં. સાયરાએ ‘જંગલી’, ‘આઈ મિલન કી બેલા’, ‘દૂર કી અાવાઝ’ જેવી હિટ ફિલ્મો કરી હતી.

મીનાક્ષી શેષાદ્રી કરિયરના પીક પર પહોંચીને બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કરી અમેરિકા જઈને વસી ગઈ. જેકી શ્રોફ, સન્ની દેઓલ, ઋષિ કપૂર જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કરનારી મીનાક્ષીએ ‘મેરી જંગ’, ‘ઘર હો તો એસા’, ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી ઘણી હિટ ફિલ્મો કરી. હાલમાં તે પુત્રી કેન્દ્રા અને પુત્ર જોશના ઉછેરમાં વ્યસ્ત છે. તે ટેક્સાસમાં ડાન્સ ક્લાસ પણ ચલાવે છે.

પોતાના જમાનાની હિટ અભિનેત્રી બબિતા શિવદાસાનીની ફિલ્મી કરિયર નાની, પરંતુ સફળ રહી. તેણે કરિયરની ટોચ પર ફિલ્મી દુનિયાને અલવિદા કહી રણધીર કપૂર સાથે લગ્ન કર્યાં. પહેલાં બબિતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ચૂકી હતી, પરંતુ લગ્ન કરવા માટે તેણે ફિલ્મી દુનિયાથી દૂર થવું પડ્યું. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી અને તે રણધીર સાથે સાત ફેરા ફરી, જોકે આ લગ્ન લાંબું ન ટક્યાં અને બબિતા તેની બે પુત્રીઓ કરિશ્મા અને કરીનાને લઈ રણધીરથી અલગ રહેવા લાગી. નાનકડી કરિયરમાં બબિતાએ ‘હસીના માન જાયેગી’, ‘ફર્ઝ’ અને ‘કિસ્મત’ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપી.

‘જુમ્મા ચુમ્મા’ ગીતથી લોકપ્રિય બનેલી કિમી કાટકરની ઈમેજ બોલ્ડ અભિનેત્રીની રહી. ૧૯૮૫માં બનેલી ‘ટારઝન’ કિમીની પહેલી ફિલ્મ હતી. આ પહેલાં તે ‘પથ્થર દિલ’માં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ કરી ચૂકી હતી. તેણે ‘વર્દી’, ‘મર્દ કી જુબાન’, ‘મેરા લહૂ’, ‘દરિયાદિલ’ અને ‘ગેર કાનૂની’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સેલિબ્રિટી ફોટોગ્રાફર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા બાદ તેણે ફિલ્મ લાઈન છોડી દીધી. હાલમાં તેમનો એક પુત્ર સિદ્ધાર્થ પણ છે.

નીતુ કપૂર બાળપણથી જ ફિલ્મોમાં લીડ રોલ ભજવતી હતી. તેણે ૧૪ વર્ષની ઉંમરથી ઋષિ કપૂર સાથે ડેટ કરવાનું શરૂ કર્યું. ૨૧ વર્ષની ઉંમરમાં ઋષિ સાથે લગ્ન કરીને તેણે ફિલ્મોથી અંતર કરી લીધું, જોકે બાદમાં તેણે ‘બેશર્મ’, ‘દો દૂની ચાર’ જેવી ફિલ્મોમાં નાનકડાં પાત્ર ભજવ્યાં. •

You might also like