મોરૈયામાં દરબાર-રબારીઓ બાખડ્યાઃ ૨૦ની ધરપકડ

અમદાવાદ: ચાંગોદરના મોરૈયા ગામે ગઈ કાલે સવારે બે કોમના માણસો વચ્ચે પાણીના જગ ઉતારવા બાબતે જૂથ અથડામણ થઈ હતી, જેમાં સાત લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. બંને પક્ષોએ સામસામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પોલીસે પણ બંને પક્ષોના માણસો સામે રાયોટિંગની ફરિયાદ નોંધી ૨૦ આરોપીઓની ધરપકડ કરી છે.

મોરૈયા ગામમાં આવેલા કેશવ સિટીમાં ગઈ કાલે પાણીના જગ ઉતારવા બાબતે દરબારો અને રબારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ બંને પક્ષોના માણસો સામસામે આવી ગયા હતા. વાહનોમાં લાકડી-દંડા જેવાં ઘાતક અને મારક હથિયારો સાથે બંને કોમનાં ટોળાંએ ભેગાં થઈ મારામારી શરૂ કરી દીધી હતી.

પોલીસે ૨૦ શખસોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી હતી. બીજી તરફ મોરૈયામાં રહેતા માવજીભાઈ ગોવિંદભાઈ દેસાઈએ આઠ લોકો સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સાણંદના શિવમ્ બંગલોઝમાં રહેતા હરદેવસિંહ વાઘેલાએ પણ પોલીસ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે ૧૫થી ૨૦ લોકોના ટોળા અને અન્ય ૪૦થી ૫૦ લોકોના ટોળાએ પાણીના જગ ઉતારવા બાબતે બોલાચાલી કરી મારામારી કરી હતી.

You might also like