ઓઢવમાં છેવટે મ્યુનિ. તંત્ર પોલીસની મદદથી ભયજનક મકાન ખાલી કરાવશે

અમદાવાદઃ ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળના કુલ ૮૪ બ્લોક પૈકી છ બ્લોકને તંત્રના પ્રાથમિક સર્વેમાં ભયજનક જાહેર કરાયા છે, પરંતુ આ બ્લોકના રહીશો ‘ઘરની સામે ઘર’ની માગણી કરતા હોઇ છેવટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પોલીસની મદદથી બળપ્રયોગ કરીને મકાન ખાલી કરાવવાની ફરજ પડી છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગરીબ આવાસ યોજનાના બે બ્લોક રવિવાર સાંજે અચાનક પતાંના મહેલની માફક જમીનદોસ્ત થયા બાદ કુલ ૮૪ બ્લોક પૈકીના બાકીના ૮ર બ્લોકની સ્ટ્રકચરલ કેપે‌િસટીની ચકાસણી હાથ ધરાઇ હતી, જેમા બ્લોક નંબર ર૬, ૪૧, પ૭, પ૮, પ૯ અને ૬૦ને ભયજનક જાહેર કરાયા હતા.

આ તમામ છ બ્લોકને ભયજનક જાહેર કરાયા પછી સત્તાધીશોએ ત્યાંના રહેવાસીઓને નજીકના રેનબસેરામાં સ્થળાંતર કરવાની મથામણ કરી હતી, પરંતુ રહેવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઘરની સામે ઘરનો આગ્રહ રાખ્યો હતો.

આ રહેવાસીઓએ ગઇ કાલે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રને આવેદનપત્ર પાઠવવા દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિસિપલ મુખ્યાલય સુધી રેલી કાઢી હતી. આ રેલીને પોલીસે બળપ્રયોગ કરીને રોકી લેતાં સમગ્ર વિવાદ વધુ વકર્યો છે.

You might also like