શેરબજારનો મૂડ બેન્ક શેરના કારણે ખરાબ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. સળંગ ત્રીજા સેશનમાં શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.  આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૪ પોઇન્ટને સુધારે ૩૪,૫૮૦ પોઇન્ટને મથાળે જોવાયો હતો. નિફ્ટીએ પણ ૧૦,૬૦૦ની સપાટી શરૂઆતે જ ક્રોસ કરી હતી.

ત્રણ સેશનમાં સેન્સેક્સ ૭૬૦ પોઇન્ટ ઊછળ્યો હતો, જોકે પીએનબીનાં બહાર આવેલાં વધુ એક કૌભાંડના પગલે પીએસયુ બેન્ક શેરમાં ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી ૧૦૮ પોઇન્ટ  તૂટી હતી. ઉપલા મથાળે વેચવાલી આવતા બજારનો સુધારો ધોવાયો હતો. સવારે ૯.૫૮ કલાકે સેન્સેક્સ માત્ર ૩૩ પોઇન્ટના સુધારે ૩૪,૪૭૯ના મથાળે જોવાયો હતો.

આજે શરૂઆતે આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેરમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. યસ બેન્ક, ભારતી એરટેલ અને ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં એક ટકાથી બે ટકાનો ઉછાળો જોવાયો હતો, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, અદાણી મોટર્સ અને કોટક મહિન્દ્રા કંપનીના શેર તૂટ્યા હતા. આ શેરમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

પીએસયુ બેન્કના શેરમાં આફ્ટર શોક
પીએનબી – ૬.૬૧ ટકા
બેન્ક ઓફ બરોડા – ૧.૮૧ ટકા
એસબીઆઈ – ૦.૬૦ ટકા
કેનેરા બેન્ક – ૧.૫૮ ટકા
બેન્ક ઓફ ઇન્ડિયા – ૧.૮૪ ટકા
સેન્ટ્રલ બેન્ક – ૧.૯૮ ટકા
યુનિયન બેન્ક – ૧.૫૩ ટકા
સિન્ડિકેટ બેન્ક – ૧.૫૭ ટકા
યુકો બેન્ક – ૧.૬૮ ટકા
અલ્હાબાદ બેન્ક – ૧.૫ ટકા
ઓરિયન્ટલ બેન્ક – ૨.૪૨ ટકા

બ્રેન્ટ ક્રૂડ ૬૭ ડોલરને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ૬૭.૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ પહોંચી ગયા હતા. માગમાં આવેલા સુધારાના પગલે ક્રૂડના ભાવને સપોર્ટ મળ્યો હતો. નાયમેક્સ ક્રૂડના ભાવમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી. નાયમેક્સ ક્રૂડ ૬૪ ડોલર પ્રતિકબેરલની સપાટીએ જોવા મળ્યું હતું.

વૈશ્વિક શેરબજારમાં તેજી
યુએસ સહિત એશિયાનાં શેરબજારમાં સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ૩૯૯ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ગઇ કાલે છેલ્લે ૨૫,૭૦૯ની સપાટીએ બંધ જોવાયો હતો. એ જ પ્રમાણે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૮૪ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ છેલ્લે ૭,૪૨૧ પોઇન્ટની સપાટીએ બંધ નોંધાયો હતો.

એસએન્ડપી-૫૦૦ ઇન્ડેક્સ પણ છેલ્લે પોઝિટિવ બંધ આવ્યો હતો. નોંધનીય છે કે અમેરિકાની ૧૦ વર્ષની બોન્ડ યીલ્ડ ચાર વર્ષની ઊંચી સપાટીથી નીચે ૨.૮૬ની સપાટીએ જોવાઇ હતી. દરમિયાન આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર પોઝિટિવ ખૂલ્યાં હતાં. જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૩૦૭ પોઇન્ટના સુધારે ૨૨,૪૬૦ની સપાટીએ જોવા મળ્યો હતો.

લોકસભાની ચૂંટણી પહેલાં શેરબજારમાં અનિશ્ચિતતાઃ યુબીએસ
મોટા ભાગના એનાલિસ્ટ અને રોકાણકાર આગામી ૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી બહુમતી સાથે વિજયી થશે તેવું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ યુબીએસના મત મુજબ લોકસભાની ચૂંટણી પહેલા શેરબજાર અને રૂપિયા અંગે અનિશ્ચિતતા ઊભી થઇ શકે છે.

બ્રોકરેજ હાઉસના જણાવ્યા પ્રમાણે ચૂંટણીને હજુ એક વર્ષથી વધુ સમયની વાર છે ત્યારે એક બાબત સ્પષ્ટ છે કે બજારમાં અનિશ્ચિતતા રહેશે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણી પૂર્વે કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશની પણ ચૂંટણી છે. તેનાં પરિણામ પણ બજારને અસર કરશે. અનિશ્ચિતતાભર્યા માહોલમાં વિદેશી નાણાં પ્રવાહ ધીમો પડશે તો રૂપિયા ઉપર પણ તેનું પ્રેશર જોવાશે.

You might also like