હવે રેલ પ્રવાસીઓને મોબાઇલ પર મંથલી સિઝન ટિકિટ મળશે

બરેલી: રોજ અપડાઉન કરતા રેલવે પ્રવાસીઓને હવે મંથલી સિઝન ટિકિટ (એમએસટી) માટે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં રહે. રેલવેમાં હવે દરેક વ્યવસ્થા ઓનલાઇન થવાના પગલે હવે એમએસટી પણ મોબાઇલ પર મળી શકશે. આ માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશને યુટીએસ એપમાં નવા ફિચર્સ જોડયા છે.

રેલવેનાં ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નવા ફિચર્સથી દૈનિક ધોરણે અપડાઉન કરતા પ્રવાસીઓને મિનિટોમાં ઘરે બેઠા મંથલી સિઝન ટિકિટ મળી જશે. આ માટે તમારે માત્ર યુટીએસ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. અા એપની મદદથી સામાન્ય ટિકિટ બુકિંગની જેમ એમએસટી પણ લઇ શકશો. આ સુવિધા તા.૧ જાન્યુઆરીથી અમલી બનશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની યુટીએસ એપ સ્ટેશન-ટ્રેનમાં નહીં ચાલે. જો પ્રવાસી સ્ટેશન-ટ્રેનમાં ટીટીઇને જોઇને યુટીએસ એપથી ટિકિટ અને એમએસટી લેવાની કોશિશ કરશે તો તે નિરર્થક પુરવાર થશે.

યુટીએસ એપ સ્ટેશનથી ર૦ મિનિટના અંતર પર દૂર ગયા બાદ ચાલી શકશે. આ એપ સુર‌િક્ષત છે અને તેમાં પ્રવાસી કોઇ છેતરપિંડી કરી શકશે નહીં. મોબાઇલ એપ્લિકેશન પર સ્ક્રીનશોટ લેવું શકય બનશે નહીં.

You might also like