ચોમાસામાં સાપથી સાવધાન!

અમદાવાદ: શહેરમાં અત્યારે ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ જુદા જુદા વિસ્તારોમાં સાપે દેખા દેવાનું શરૂ કરી દીધું છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા થલતેજ અને સેટેલાઇટમાંથી ૪૮ કલાકમાં જ ચારથી વધુ અત્યંત ઝેરી સાપ પકડાયા છે જેના કારણે લોકોમાં ફફડાટ વધ્યો છે. તેમાં સાવધાની પણ જરૂરી છે, કારણ કે પકડાતા સાપમાં પ૦ ટકાથી વધુ સાપ ઝેરી હોય છે.

છેલ્લા બે દિવસ દરમિયાન થલતેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇનની બાજુુમાં રહેલી જગ્યામાંથી ઝેરી સાપ મળી આવવા ઉપરાંત વેજલપુર રેલવે ક્રોસિંગ પાસેના મકાનમાંથી ઝેરી કોબ્રા મળી આવ્યો હતો. સ્નેકકેચર મૈત્રી ગાંધીના જણાવ્યા મુજબ મોટા ભાગના સાપ પકડવાના કોલ રાત્રી દરમિયાન આવે છે. બે દિવસ પહેલાં અરવિંદ મિલની પાસેથી અત્યંત ઝેરી કોબ્રા મળી આવ્યો હતો.

ચોમાસામાં રોજના નવથી દસ સાપ રહેણાક વિસ્તારમાં ઘૂસી જાય છે. જેમાં સૌથી વધુ સાપ થલતેજ વિસ્તારમાંથી પકડાય છે. મહિને ૩૦૦ અને વર્ષે રપ૦૦થી વધુ ઝેરી અેને બિનઝેરી સાપ ઝડપાય છે. મોટા ભાગે ઘરમાં પૂર્યા વગરનાં ગાબડાં, રેલવે લાઇનની નજીકના મકાનો, ભંગાર, બગીચાની લોન, બાંધકામ સાઇટ વગેરેમાં સૌથી વધુ સાપ દેખા દે છે.

એનિમલ સેવિંગ્ઝ ગ્રૂપના હેડ જંગલ ખાતાના અધિકારી આરએફઓ કૌશિક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રહેણાક વિસ્તારમાં પકડાતા સાપોમાં સૌથી વધુ સાપ કોબ્રા પકડાય છે. જે ઝેરી છે. અમદાવાદમાં પકડાતા સાપમાં પ૦ ટકાથી વધુ ઝેરી સાપ હોય છે.

વન વિભાગનું ૪પ વોલેન્ટિયરનું એક ગ્રૂપ અમદાવાદ શહેરમાં સાપ પકડવાનું કામ કરી રહ્યું છે. જેમાં ચાર મહિલાઓ છે. ૭૬૦૦૦૦૯૮૪પ નંબરની હેલ્પલાઇન પર ફોન કરવાથી મેસેજ તુરંત વોટ્સએપ ગ્રૂપમાં ડાયવર્ટ થાય છે. જે વિસ્તારમાં વોલેન્ટિયર નજીક હોય તે ગણતરીના સમયમાં જે તે સ્થળે પહોંચીને સ્નેકને પકડી લે છે. તમામ વોલેન્ટિયરને વનવિભાગ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવે છે.

આ ઉપરાંત સુંદરવન ર૬૯ર૩૧૪૮, ર૬૯ર૧૮૩૮ હેલ્પલાઇન પર ફોન કરવાથી સાપ પકડવા માટે મદદ મળે છે. સાપ પકડયા બાદ તેને જંગલના સુર‌િક્ષત વિસ્તારમાં છોડી દેવાય છે.

સૌથી વધુ સાપ દેખાય છે થલતેજમાં
શહેરમાં ચોમાસામાં રોજના ૧૦ અને કયારેક ૧પ જેટલા સાપ દેખા દે છે. જેમાં સૌથી વધુ સાપ થલતેજ વિસ્તારમાં દેખાય છે. શીલજ, બોપલ, ભાડજ, સરખેજ, આંબલી, ગોતા, વિંઝોલ, ચાંદખેડા, મોટેરા, નરોડા, કાલુપુર, નાન ચિલોડા, વટવા, ગોમતીપુરમાં પણ સાપનો ઉપદ્રવ છે. ખાસ કરીને નવી બાંધકામની સાઇટસ અને રેલવે લાઇનની આસપાસ સાપ વધુ દેખાય છે.

શહેરમાં કેવા સાપ દેખાય છે?
ઝેરી સાપઃ કોબ્રાકેટ, રસેલ વાયપર, સોસ્કેલ વાયપર, (ફોડચી) વાઇન સ્નેક-ઓરપણ, રોલ સ્નેક.
બિન ઝેરી સાપઃ ધામણ, અજગર, ટ્રીનકેટ-રૂપસુંદરી, બ્રોન્ઝબેક-તામ્રપીટ, વુલ્ફ-વરુંદતી, રેસર-ઘઉંલો, ચેકર-ડેંડવો, ગ્રીન કીલબેલ-લીલવો, ચિતળ, આંધળી ચાકરણ, ફલાઇંગ સ્નેક, પાણીનો સાપ.

You might also like