રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલએ કરી મોટી આગાહી, જાણો શું કહ્યુ

પારંપરિક હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 20મી મે થી જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદનું આગમન થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનથી 21મી જૂન સુધીમાં વરસાદ પડતો હોય છે, પરંતુ અંબાલાલની આગાહી પ્રમાણે આ વર્ષે વરસાદી ઝાપટાની શરૂઆત વહેલી થઈ શકે છે.

 

આ સાથે જ અંબાલાલે મોટી આગાહી એ પણ કરી છે કે ગુજરાતમાં ચોમાસુ સારું રહેશે. હવામાનના વરતારાની એક વાત અંબાલાલે એ પણ કરી છે કે 10મી અને 11મી મેના રોજ પાટણ, વાવ, થરાદ અને ડીસામાં ધૂળની આંધી આવી શકે છે. તેજ પવન સાથે ઉત્તર ગુજરાતમાં આંધીની અસર વરતાવાનું અંબાલાલે અનુમાન કર્યું છે. અંબાલાલ પટેલ જાણીતા પારંપરીક હવામાન નિષ્ણાંત છે જે પરંપરાઓને આધારે વરતારો જુએ છે. ગુજરાતમાં તેમના પર ખેડુતોનો બહુ મોટો વર્ગ ભરોસો કરે છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં જૂનના અંતિમ સપ્તાહથી જ ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગહી અંબાલાલે કરી છે અને ગુજરાત સહિતના પાડોશી રાજ્યોમાં પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ હવામાન વિભાગ દ્વારા પણ અણધાર્યા વરસાદની દેશના કેટલાક રાજ્યોમાં આગાહી કરવામાં આવી છે. દેશના ઓછામાં ઓછા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ તેમજ આંધી-તોફાનની આગાહી કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળો પર ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક સ્થળો પર તેજ પવન સાથે મધ્યથી ભારે વરસાદ પડી શકે છે.

You might also like