સારા ચોમાસાના સંકેતો છતાં ચણા-અડદની દાળ બાદ મગના ભાવ ભડકે બળ્યા

અમદાવાદ: દેશભરમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી આગાહી મોટાભાગની હવામાન એજન્સીઓએ કરી છે. ત્યારે વિવિધ પાકનો ઉતારો સારો આવે તેવી શક્યતા છે. પરંતુ તેમ છતાં પણ કઠોળમાં કેટલીક જાતમાં ભાવમાં એકતરફી તેજીની ચાલ જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં હવે, મગ અને મગની ફોતરાંવાળી દાળમાં તેજીનું ચક્કર જોવા મળી રહ્યું છે. પાછલા એક જ મહિનામાં આ કોમોડિટીના છૂટક ભાવમાં ૧૦ ટકાનો વધારો જોવાઈ ચૂક્યો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે મિડિયમ ક્વોલિટીના મગના ભાવ પ્રતિ કિલોએ ૧૦૦ની સપાટી પાર કરી દઈ રૂ.૧૦૫ના મથાળે ભાવ પહોંચી ગયા છે. એ જ પ્રમાણે મગની ફોતરાંવાળી દાળનો ભાવ પ્રતિ કિલોએ રૂ.૮૫થી ૯૫ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે. જ્યારે મગની મોગર દાળના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. મગની મોગર દાળમાં ભાવ સેન્ચૂરી વટાવી પ્રતિ કિલો રૂ. ૧૦૫ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે સ્ટોકિસ્ટ સંગ્રહખોરી કરેલો માલ હજુ પણ ભાવ ઊંચા મળવાની આશાએ વેચવામાં રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ ઊંચી માગ વચ્ચે ઓછા સ્ટોકે ભાવમાં એકતરફી તેજીની ચાલ જોવા મળી રહી છે.

You might also like