મોડી રાત્રે અમદાવાદમાં મેઘ મહેર, 5 ઇંચ વરસાદ નોંધાયો, રાજ્યમાં સર્વત્ર વરસાદ

અમદાવાદઃ ગઇકાલ સવારથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજની મહેરબાની જોવા મળી હતી. ત્યારે મોડી રાતથી સવાર સુધીમાં અમદાવાદમાં સરેરાશ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને કરાણે અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. મણિનગરના દક્ષિણી અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા અંડરપાસ બંધ કરાયો છે. જ્યારે ખોખરા હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે.

તો પશ્ચિમ વિસ્તારમાં હેલમેટ સર્કલ, વિજય ચાર રસ્તા, અંકુર, શિવરંજની વિસ્તારમાં પાણી ભરાયા છે. ગત રાતથી અત્યાર સુધી પૂર્વ વિસ્તારમાં પાંચ ઇંચ, પશ્ચિમ વિસ્તારમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વાસણા બેરેજમાં પાણીની આવક વધતા છ દરવાજા 3 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે.

તો રાજ્યમાં અન્ય શહેરોની વાત કરીએ તો ખંભાળિયામાં 12 કલાકમાં 7.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાલપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં દોઢ ઇંચ, વીરપુર તથા મોરબીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મોટીપાનેલીમાં 3 ઇંચ વરસાદ થયો છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા પંથકનાં સમીસાંજે બે થી અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. બરડા પંથકમાં 3 થી 4 ઈંચ, જ્યારે કુતિયાણામાં સાંજે 2 કલાકમાં 2 ઈંચ જ્યારે રાણાવાવમાં પણ દોઢ થી બે ઈંચ વરસાદ પડ્યો હતો. પાલિતાણા,મહુવા, તળાજા,ઘોઘા સહિતના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ ગુરૂવારે પડ્યો હતો.

You might also like