‘મોન્સૂનમાં’ રમાતી રમતો

વરસાદી રમતો એટલે કાગળની હોડી બનાવી તેને પાણીમાં તરવા મૂકવી. સાથે જ વરસતા વરસાદમાં છબછબિયાં કરીને તેની મજા લેવી. બસ, આટલું જ કરીને આ મોસમની મજા બાળપણમાં લેવાતી હોય છે. પણ જેમ જેમ યુવાની આવતી જાય તેમ તેમ વિચારોમાં ક્રાંતિ આવે અને સમય સાથે મોસમની મજા લેવાની રીત પણ બદલાઇ જાય. સામાન્ય રીતે વરસાદમાં રમતનાં મેદાન સૂનાં પડી જતાં હોય છે પણ કેટલીક રમતો એવી છે કે જેને રમવાની ખરી મજા તો માત્ર વરસાદમાં છે. જેના માટે ખેલાડીઓ ખાસ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરે છે.

કહેવાય છે કે ક્રિકેટ મેચમાં વરસાદ એટલે વિઘ્ન, પરંતુ આપણા યુવાનો તો આ સિઝનમાં ખાસ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. માત્ર ક્રિકેટ જ નહીં, હોકી, કબડ્ડી, ફૂટબોલ જેવી ઝડપી રમતોની મજા યુવાનો વરસતા વરસાદની વચ્ચે માણે છે. કેટલીક સંસ્થાઓ દ્વારા તો મોન્સૂન સ્પોર્ટ્સનું આયોજન પણ કરવામાં આવે છે.

આ મોસમમાં ક્રિકેટ શીટની ખાસ ટૂર્નામેન્ટ યોજાય છે. ભારતમાં ઘણી જગ્યાએ મોટર સ્પોર્ટ્સ રેસનું પણ આયોજન થાય છે. આ ઇવેન્ટ મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવે છે. ફૂટબોલ, બાસ્કેટ બોલ, વોલીબોલ જેવી રમતો વરસાદમાં રમવાનું પસંદ કરે છે તો કેટલાક યુવાનો કાર રેસિંગ પણ કરવાનું પસંદ કરે છે.

વિદેશોમાં તો અલગ પ્રકારની રમતોનો ક્રેઝ હોય છે. વરસાદી મોહાલમાં આપણે કાદવથી અકડાઇએ છીએ જ્યારે વિદેશોમાં મડ રેસ, મેરેથોન (જેમાં જંગલમાં આવતા કાદવવાળા ખાડા હોય છે.) કાદવથી ભરેલા ખાડામાં ફૂટબોલની રમતો રમાય છે. જે હવે અહીં પણ શરૃ થઇ ગઇ છે. આ ગેઇમ્સમાં હારજીતનું મહત્ત્વ નથી હોતું, પરંતુ મોસમની મજા સાથે રમતનો આનંદ લેવાનો આશય હોય છે.

જ્ન્મેજયસિંહ જાડેજા કહે છે કે, “અમે લોકો એલ.જી. હોસ્પિટલની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોજ સવારે ૭થી ૯ અને સાંજે ૫થી ૭ ક્રિકેટ રમીએ છીએ. મારી ટીમમાં ડોક્ટર, એન્જિનિયર, પોલીસ, પોલિટિશિયન બધા જ પ્રકારના મેમ્બર્સ છે. ખાસ કરીને વરસાદના સમયે અમે આવી ગેઇમનું આયોજન કરીએ છીએ. વર્ષમાં એક વાર અમે નાઇટ ટૂર્નામેન્ટ રાખીએ છીએ.”

ધવલ ખૂંટ કહે છે કે, “આમ તો અમે બધા ફ્રેન્ડ્સ બધી જ રમત રમતાં હોઇએ છીએ પણ વરસાદમાં બેટ અને સ્ટમ્પસ ભીના થવાથી લાંબા ટકતાં નથી. જેથી અમે વરસાદમાં વોલીબોલ અને ફૂટબોલ રમીએ છીએ. વિદેશોમાં આવી રમતો સ્પેશિયલી યોજાતી હોય છે. ભીના પણ થવાય અને રમત રમવાની મજા પણ આવે.”

નાનાં બાળકો પણ કાગળની હોડીઓ બનાવીને ઘરની બહાર વહેતા પાણીમાં તરતી મૂકે છે. મહિલાઓ પણ કીટી પાર્ટીમાં વરસાદને લગતી મોન્સૂન થીમ અને મોન્સૂન ગેઇમ્સ રમતી હોય છે.

કૃપા મહેતા

You might also like