દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધરતીપુત્રોમાં ખુશીની લહેર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોએ આજે મન મુકીને વરસાદની મજા માણી હતી. જ્યાં તાપી, વલસાડ, નવસારીનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

આ તરફ વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. બીજી તરફ તાપી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘાની પધરામણી થતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તો નવસારીનાં અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો અને ગરમી બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. મહત્વનું છે કે નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે છૂટો છવાયો વરસાદ પડ્યો છે.

જેનાં પગલે આ વિસ્તારનાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઇ ગયો છે. કેટલાંક વિસ્તારોમાં તો ઠેર-ઠેર વરસાદી છાંટા પણ પડ્યાં છે. કેટલાંક સ્થળે તો ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે. વરસાદે ઠેરઠેર વરસીને ખેડૂતો પર મહેરબાની કરતાં ખેડૂતોમાં ભારે આનંદનું મોજુ ફરી વળ્યું છે.

You might also like