નાણાકીય લેતી-દેતીમાં ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીને લૂંટી લીધો

અમદાવાદ: અમદાવાદની વટવા જીઆઇડીસી પાસે આવેલ એસપી રીંગ રોડ ઉપર ગઇ કાલે સાંજે ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી પર નાણાકીય લેવડદેવડ મુદ્દે ૧૭ વ્યક્તિઓએ તલવાર વડે હુમલો કરીને લૂંટ ચલાવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વટવા જીઆઇડીસી પોલીસે ઘટનાના પગલે ૧૭ યુવકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે ફરિયાદમાં એટ્રોસીટીની કલમ લાગી હોવાના કારણે કેસની તપાસ જે ‌િડ‌િવઝનના એસીપીને સોંપાઇ છે.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર બાપુનગરમાં આવેલ આનંદ ફ્લેટમાં રહેતો ૩૦ વર્ષીય યુવક ચિરાગ બાબુલાલ સોલંકી એસ.પી.રીંગ રોડ ઉપર આવેલ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે. ગઇ કાલે સાંજે વસ્ત્રાલ રીંગ રોડ ઉપરના જય અંબેનગરમાં રહેતા કુલદીપ રાજપૂત, સુશીલ રાજપૂત અને તેની સાથે અન્ય ૧૫ યુવાનો ચિરાગની ઓફિસે આવ્યા હતા. જ્યાં કુલદીપે ચિરાગ પાસે ૨૨ હજાર રૂપિયા માગણી કરી હતી.

ચિરાગે રૂપિયા આપવાનો ઇન્કાર કરતાં કુલદીપ ઉશ્કેરાયો હતો અને ચિરાગ ઉપર હુમલો શરૂ કરી દીધો હતો, જેમાં ચિરાગ ઉપર કુલદીપ, સુશીલ તથા તેના મિત્રોએ તલવાર તથા ધોકા વડે હુમલો કરીને 40 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ સિવાય ચિરાગની સોનાની  ચેઇન અને એટીએમ કાર્ડ પણ લઇને ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ચિરાગને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાે હતો.

ઘટનાની જાણ વટવા જીઆઇડીસી પોલીસને થતાં તેઓએ તાત્કા‌િલક ચિરાગની ફરિયાદ લીધી હતી અને એટ્રોસીટી એક્ટ તથા લૂંટની ફરિયાદ દાખલ કરીને કેસની તપાસ જે ‌િડ‌િવઝનના એસીપી બી.એમ.ટાંકને સોંપી હતી.

You might also like