પૈસાના મામલે જમીન દલાલને માર મારી હવામાં ફાયરિંગ

અમદાવાદ: સરખેજના ફતેહવાડી વિસ્તારમાં ગઇ કાલે સાંજે બે શખસો જમીન દલાલને પૈસાની લેતી-દેતીના મામલે મારમારીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે જમીન દલાલે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળ ખાતે સાદિક હુસેન ઉસ્માનભાઇ મોદન રહે છે. સાદિક હુસેન સરખેજના ફતેહવાડી ખાતે જમીન લે-વેચનો વ્યવસાય કરે છે.  બે-ત્રણ દિવસ અગાઉ ફતેહવાડી વિસ્તારમાં રહેતા મુસ્તાક ઉર્ફે ટોલી મલેક નામની વ્યક્તિએ સાદિક હુસેન પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી, જેથી સાદિક હુસેને તેને કહ્યું હતું કે તારા-મારા વચ્ચે કોઇ પૈસાની લેતી-દેતી નથી તો શેના પૈસા આપું. આ બાબતે બાદમાં સમાધાન પણ થઇ ગયું હતું.

ગઇ કાલે સાંજે ફતેહવાડી કેનાલ નજીક આવેલી બિસ્મીલ્લા હોટલ ખાતે મુસ્તાક, સાદિક હુસેન અને અન્ય એક માણસ મળ્યા હતા અને મુસ્તાકે સાદિક હુસેન પાસે પૈસાની માગણી કરી હતી અને બળજબરીથી પૈસા કઢાવવા માટે ઝઘડો કરી માર માર્યો હતો.  સાદિક હુસેને પૈસા નહીં આપતાં લાફા મારી મુસ્તાકે તેની પાસે રહેલું દેશી તમંચા જેવું હથિયાર કાઢીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઇ ગયાે હતાે.

આ બનાવની જાણ અસલાલી પોલીસને કરાતાં અસલાલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે સાદિક હુસેને અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર મુસ્તાક અને અન્ય એક શખસની શોધખોળ શરૂ કરી છે.  અસલાલી પીઆઇ જી.પી. ચૌહાણે જણાવ્યું હતું અગાઉ જમીન દલાલ પાસે પૈસાની માગણી કરાઇ હતી, જે બાબતે સમાધાન બાદ ફરી પૈસાની માગણી કરી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.

You might also like