રૂપિયા ૮,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં બેની ધરપકડ

નવી દિલ્હી: બનાવટી કંપની(શેલ કંપનીઓ)ની વિરુદ્ધ અભિયાન હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે (ઈડી) દિલ્હીના બે વેપારીની ધરપકડ કરી છે. ઈડીના જણાવ્યા પ્રમાણે રૂ. ૮,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ અને કાળાં નાણાં કૌભાંડમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે આ કૌભાંડમાં સુરેન્દ્રકુમાર જૈન અને વીરેન્દ્ર જૈન બેની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર ધરપકડ કરાયેલ જૈન બંધુઓ વિવિધ માધ્યમો દ્વારા મની લોન્ડરિંગ કરી રહ્યા હતા. આ મામલામાં ઓછામાં ઓછી ૯૦ શેલ કંપનીઓ ઈડીની તપાસમાં દાયરામાં આવી ગઈ છે. ઈડીના જણાવ્યા અનુસાર આ જૈન બંધુઓ ગ્રાહકો પાસેથી કાળું નાણું લેતા હતા અને બનાવટી કંપનીઓ દ્વારા કાળું નાણું સફેદ કરી આપતા હતા. આ બંનેએ આ કામમાં ૨૬ કંપનીનો ઉપયોગ કર્યો હતો. ઈડીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે તપાસ દ્વારા એવું બહાર આવ્યું છે કે આ કંપનીઓના એકાઉન્ટ ખોલવા અને બંધ કરવા વચ્ચેના ત્રણ માસથી ઓછા સમય દરમિયાન રૂ. ૮,૦૦૦ કરોડની ડેબિટ અને ક્રેડિટની એન્ટ્રીઓ બતાવવામાં આવી હતી.

જૈન બંધુઓ કાળું નાણું રોકડમાં લેતા હતા કોઈ વચેટિયા દ્વારા આ રકમ લેવામાં આવતી હતી, પછી આ રકમને બેનામી કંપનીઓના બુક્સ ઓફ એકાઉન્ટમાં દર્શાવવામાં આવતી હતી ત્યારે બેન્કિંગ ચેનલના માધ્યમ દ્વારા આ કાળું નાણું પરત કરી દેવામાં આવતું હતું. આ કાળા કારોબારમાં જૈન બંધુઓ પોતાનો હિસ્સો લઈ લેતા હતા.
http://sambhaavnews.com/

You might also like