જીવનની ઇમારતમાં પૈસાનું ચણતર લાંબુ ટકતું નથી…

લોકો કોઈ પણ કિંમતે વફાદારી વેચવા તૈયાર જ નથી.

  • ભૂપત વડોદરિયા

એક બહેને ત્રણચાર વર્ષ પછી મળવા આવેલી નાની બહેનને કહ્યું, ‘મજામાં તો છો ને? કંઈ પ્રશ્ન તો નથી ને ?’ નાની બહેને કહ્યું, ‘હું ગણવા બેસું તો અનેક પ્રશ્નો છે, પણ હું જાણું છું કે સૌ કોઈને નાનામોટા પ્રશ્નો હોય છે. પણ હા, મોટાબેન તારે તો કોઈ પ્રશ્ન નથી ને ? તું તો સુખી છે ને?’ મોટા બહેને હસીને કહ્યું, ‘સુખ માનો તો સુખ અને દુઃખ માનો તો દુઃખ.’ નાની બહેને કહ્યું, ‘આનો અર્થ શો ?’ મોટા બહેને જવાબ આપ્યો, ‘આપણે કોને સુખ ગણીએ અને કોને દુખ ગણીએ છીએ એની પર આધાર છે.’ નાની બહેને કહ્યું, ‘સુખ એટલે સુખ અને દુઃખ એટલે દુઃખ.’ મોટી બહેને પોતાના મુદ્દાની સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘કેટલીક વાર દુખના અભાવને આપણે સુખ કહીએ છીએ અને સુખના અભાવને દુખ કહીએ છીએ.’

વધુ સ્પષ્ટતા કરતાં મોટી બહેને કહ્યું, ‘મને ડાયાબિટીસ નથી તો મારા માટે એ સુખ છે. હું કંઈ પણ ખાઈ શકું છું. મારી એક બહેનપણી પૈસેટકે અત્યંત સુખી છે, પણ ડૉક્ટરે તેને કંઈ ગળ્યું ખાવાની ખાસ ના પાડી છે. આમ તો સંયમથી જીવતા માણસને આ કંઈ મોટું દુઃખ ના લાગે, પણ બીજા જે કરી શકે તે આપણે કરી શકતા ન હોઈએ ત્યારે તે આપણને દુઃખ લાગે છે. સાચું કહું તો સુખ અને દુખ એક જ સિક્કાની બે બાજુ જેવા છે. તમે તેની શી કિંમત આંકો છો એનો આધાર તમારા મૂલ્યાંકન પર છે. કોઈ વાર એવું બને કે તમારી પાસે પાંચસો રૃપિયાની કે સો રૃપિયાની નોટ હોય, પણ તમારે એક રૃપિયાના સિક્કાની જરૃર છે. તે સિક્કા તમારી પાસે નથી. તમે પાંચસો કે સો રૃપિયાની નોટ વટાવવા નીકળ્યા પણ કોઈની પાસે એટલા છૂટા નથી. આ સંજોગોમાં તમારી પાસે ઘણું બધું છે, પણ તમારે જેની જરૃર છે એ નથી. એ દુઃખ છે અને જે છે એ પણ ઘણી વાર સુખ આપતું નથી. દા.ત. એક માણસ પાસે લાખ્ખો રૃપિયા છે પણ કોઈ જ વારસદાર નથી. પત્ની ઘર છોડી ચાલી ગઈ છે, પણ કોર્ટમાં લાંબો દાવાદૂવી કર્યા પછી છૂટાછેડા મળતા નથી. એ સ્ત્રાળ જે રકમ માગે તે આપવા તૈયાર છે, પણ એ સ્ત્રીને છૂટાછેડા આપવા જ નથી. એટલે ઘણી વાર આપણે માનીએ છીએ કે કિંમત ચૂકવીને પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી શકાય પણ હકીકતે એવું બનતું નથી. એ બહેને આવા સંજોગોમાં કડવાશથી કહ્યું કે હું તેને છૂટાછેડા આપીશ નહીં ! એ મોટી મોટી કિંમતની ઑફર કરે છે, પણ એણે મને સુખ આપ્યું નથી તો હું એને સુખ મળવા નહીં દઉં !

પાંત્રીસચાલીસ વર્ષની ઉંમરની એક બહેને તેના પતિએ છૂટાછેડા આપવાની કાનૂની કાર્યવાહી કરી. આ તરફથી એમને ૧૦ વર્ષનો એક બાળક હતો. ન્યાયમૂર્તિએ એક દિવસ કાર્યવાહી ચલાવતાં પૂછ્યું, ‘તારે કોની સાથે જવું છે ?’ તેમ પૂછ્યું કારણ કે તારાં માતાપિતા સાથે રહેવા માંગતા નથી અને છૂટાછેડા મેળવવામાં તું જ અડચણરૃપ છે. પિતા કહે છે કે હું એને માટે કહે તેટલા પૈસા આપવા તૈયાર છું. પણ હું જે બીજા લગ્ન કરવા માગું છું, એ સ્ત્રી આ બાળકને સાથે રાખવા તૈયાર નથી. એની સગી માતા પણ લાચાર છે. કેમકે એણે જે બીજાં લગ્ન કરવાં છે તે પુરુષ આ બાળકને સ્વીકારવા તૈયાર નથી. સ્વાભાવિક રીતે આ બાળકનું શું કરવું એ સૌને મૂંઝવતો પ્રશ્ન બની ગયો. એટલે આપણે જોઈએ છીએ કે આપણે ઘણીબધી સમસ્યાઓથી છૂટવા માંગતા હોઈએ પણ છૂટી શકાતું નથી ! આપણે માનીએ છીએ કે ચોક્કસ પરિસ્થિતિના દુઃખનો છેડો આપણે ફાડી શકીએ પણ છેડો ફાડી શકાતો નથી. લોહીના કે લાગણીના દરેક સંબંધમાં અતૂટ બંધનનો એક તાર હોય છે. એટલે આપણે ચતુરાઈથી જે કરવા માંગતા હોઈએ તે શક્ય બનતું નથી. આપણે એમ માનીએ છીએ કે પૂરતાં નાણાં આપીને આપણે કોઈ પણ પ્રશ્ન ઉકેલી શકીએ પણ ગમે તેટલાં નાણાં આપવા છતાં આપણે ઇચ્છીએ એવો ઉકેલ આવતો નથી.

કેટલીક વાર પૈસાથી કંઈ પણ ખરીદી શકાય, સુખ ખરીદી શકાય અને વફાદારી પણ ખરીદી શકાય. પણ ઘણા બધા લોકો કોઈ પણ કિંમતે વફાદારી વેચવા તૈયાર જ નથી. ઘણા બધા પૈસાદાર લોકો પોતાનું કામ કઢાવવા કોઈ કંપનીના નાનામોટા કર્મચારીની વફાદારી ખરીદવા કોશિશ કરે છે પણ પેલો નાનો માણસ કોઈ પણ રીતે વફાદારી વેચવા તૈયાર નથી. એટલે આ દુનિયામાં પૈસાથી બધું જ ખરીદી શકાય એ આપણો વહેમ છે. એક શ્રીમંત પિતાના અપ્રામાણિક વહેવારોથી દુઃખી થયેલા પુત્રે પિતાને વિનંતી કરી કે મારે કશું જોઈતું નથી. તમારા વારસદારના હક્કને હું જતો કરવા માગું છું. ગુસ્સે થઈને પિતાએ કહ્યું, ‘કરોડો રૃપિયાનો વારસો તારે જોઈતો નથી એમ?’ પુત્રે કહ્યું, ‘તમે છળકપટ અને અપ્રામાણિક વહેવારોથી રૃપિયા ભેગા કર્યા એ રૃપિયા હું લઉં તો એ તમારી અપ્રામાણિકતા અને છળકપટનો વારસો મેં લીધો એમ જ થાય ને !’

આજની દુનિયામાં ઘણા બધા લોકો એમ માને છે કે પૈસા આપવાથી કામ થાય એવું કોઈ કામ હોતું જ નથી ! પણ એ હકીકત છે કે ઘણાં બધાં કામો ગમે તેટલા પૈસા આપવા છતાં થઈ શકતાં નથી. દા.ત. તમે પૈસાથી કોઈ પણ સ્ત્રીનો પ્રેમ જીતી શકતાં નથી. પૈસા વડે તમે તમારા પુત્ર કે પુત્રીનો આદરભાવ મેળવી શકતા નથી. માણસ એ જાણે છે કે ધન બધાં દુઃખોની દવા નથી અને છતાં એનો જ ઉપયોગ કરવા કોશિશ  કરે છે અને તેનું કોઈ પરિણામ આવતું નથી.

—————————.

You might also like