સોમવારે SBI સહિત જાહેર ક્ષેત્રની બેન્કોના ઓફિસર્સ હડતાળ પર

અમદાવાદ: ધનલક્ષ્મી બેન્કના કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે પાછલા કેટલાક સમયથી ચાલતા ખટરાગના વિરોધમાં ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશને સોમવારે હડતાળનું એલાન આપ્યું છે, જેના પગલે આવતી કાલે શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસનું બેન્કિંગ ઓપરેશન ઠપ થઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે ધનલક્ષ્મી બેન્કના સત્તાવાળાઓની નીતિરીતિના કારણે બેન્કમાં બેડ લોનનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ બેન્કને વધુ ડૂબતી જતી અટકાવવા રીકવરીમાં મદદ કરી રહ્યા છે ત્યારે મેનેજમેન્ટ કર્મચારીઓની ટ્રાન્સફર કરે છે. બેન્કના મેનેજમેન્ટે જનરલ સેક્રેટરી મોહનનને ડિસમિસ કર્યા છે. તેઓને પાછા લેવા જેવા વિવિધ પ્રશ્નોને લઇને એસબીઆઇ સહિત જાહેર ક્ષેત્રની બેન્કના ઓફિસર્સ એસોસિયેશન આગામી સોમવારે હડતાળ ઉપર જઇ રહ્યા છે. બેન્કના ઓફિસર્સ એસોસિયેશનની હડતાળના કોલના પગલે રાજ્યભરમાં બેન્કિંગ ઓપરેશન ઠપ થઇ જવાને કારણે ૮થી ૧૦ હજાર કરોડના ક્લીયરિંગને પણ અસર થવાની ભીતિ સેવાઇ રહી છે.

આ અંગે ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ શંકરભાઇ પટેલે જણાવ્યું કે ધનલક્ષ્મી બેન્કના વિવિધ પ્રશ્નોને લઇને આગામી સોમવારે ઓફિસર્સ એસોસિયેશન હડતાળ પર જઇ રહ્યું છે, જેના કારણે ક્લીયરિંગ સહિત બેન્કિંગ ઓપરેશન ઠપ થઇ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સોમવારની હડતાળમાં એસબીઆઇ સહિત જાહેર ક્ષેત્રની બેન્કના ૧૧ હજારથી વધુ ઓફિસર્સ જોડાશે.

You might also like