માતાના લોહીથી લખ્યુંઃ હું તેનાથી કંટાળી ગયો છું, મને લટકાવી દો

મુંબઈ: શીના બોરા હત્યા કેસની તપાસ કરી રહેલા મુંબઈ પોલીસના ઈન્સ્પેકટરની પત્નીની હત્યામાં હત્યારાએ લોહીથી લખેલી નોટમાં હું તેનાથી કંટાળી ગયો છું, મને પકડો અને લટકાવી દો તેવું લખાણ લખ્યા બાદ સ્માઈલી દોર્યું હતું. પીઆઈના પુત્રએ જ તેની માતાની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.

પોલીસે પીઆઈ જ્ઞાનેશ્વર ગાણોરેના લાપતા થઈ ગયેલા ૨૧ વર્ષીય પુત્ર સિદ્ધાંતની તપાસ માટે પાંચ ટીમની રચના કરી છે. આ કેસમાં મળેલા પીએમ રિપોર્ટમાં દિપાલીના ગળા પર ચાકુ વડે છ વખત પ્રહાર કરવામાં આવતાં તેમનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. પીઆઈ ગણોરે ફરજ પર હતા ત્યારે તેમની પત્ની અને પુત્ર સિદ્ધાંત સાંતાક્રુઝ ખાતેની પ્રભાત કોલોનીમાં એજે પાર્ક બિલ્ડિંગમાં હતા. આ અંગે પીઆઈ ગણોરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન તેમણે દિપાલી સાથે વાત કરી હતી અને રાતે નવ વાગ્યે ફિલ્મ જોવા જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ રાતે નવ વાગ્યે તેઓ ઘેર આવ્યા હતા ત્યારે ફલેટનો દરવાજા પર લોક હતું. તેમણે ડોરબેલ વગાડવા છતાં દરવાજો નહિ ખૂલતાં તેઓ ચાલ્યા ગયા હતા અને બાદમાં મધરાતે ફરી ઘરે આવ્યા હતા.

ત્યારબાદ તેમણે ઘરની બહાર તપાસ કરતાં ચંપલ મૂકવાના ખાનામાંથી ચાવી મળતાં તેમણે ઘર ખોલતાં જ દિપાલીની લાશ લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી અને લાશની બાજુમાંથી કિચનનું ચાકુ અને લોહીથી લખેલી નોટ મળી આવી હતી. ત્યારબાદ ગણોરે તેમના પુત્રની તપાસ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. તેથી તેમણે વહેલી પરોઢે કંટ્રોલરૂમમાં પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ઝોનના દરેક સિનિયર પોલીસ અધિકારી સહિત ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૮ના અધિકારીઓ ઘટનાસ્થળે આવી ગયા હતા. તપાસ દરમિયાન પીઆઈના ઘરમાંથી તેમના પુત્રનો ફોન મળી આવ્યો હતો પણ ફોનમાં પેટર્ન લોક હોવાથી તેને અનલોક કરવા મોકલી આપવામાં આવ્યો છે. તેથી ફોન ખુલ્યા બાદ કોઈ નવી કડી મળે તેવી પોલીસને આશા છે.
http://sambhaavnews.com/

You might also like