એક વર્ષમાં મારા ક્રેડિટ કાર્ડથી દોઢ કરોડનું શોપિંગ કર્યું તો દહેજપીડિતા કેવી?

અમરોહાઃ પત્નીના આરોપોથી હેરાન-પરેશાન થયેલો ભારતનાે ફાસ્ટ બોલર મોહંમદ શમી હવે આક્રમક બન્યો છે. દહેજ ઉત્પીડનના આરોપી શમીએ કહ્યું, ”હસીને આખું વર્ષ મારા ક્રેડિટ કાર્ડથી દોઢ કરોડ રૂપિયાનું શોપિંગ કર્યું છે. આ સ્થિતિમાં તે દહેજ પીડિતા કેવી રીતે થઈ ગઈ? હસીન જુઠ્ઠી છે અને આરોપ લગાવવા તેની આદત છે. ત્રણ વર્ષમાં તે ૩૦૦૦ લોકો પર આરોપ લગાવી ચૂકી છે. ઘરમાં કામ કરવાવાળા નોકર પર પણ તેણે આરોપ લગાવી દીધો હતો.”

પત્ની હસીનના ગંભીર આરોપોથી ઘેરાયેલાે શમી ૧૦ દિવસ બાદ આ પ્રકરણને લઈને આક્રમક નજરે પડ્યો. શમીએ કહ્યું, ”પત્નીના કહેવાથી કોલકાતામાં તેના નામે મકાન લઈ આપ્યું, બે કાર તેની પાસે છે. હાલ પણ હસીન બધું જ શોપિંગ મારા ક્રેડિટ કાર્ડથી કરે છે. જ્યારે હું દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયો હતો ત્યારે હસીને ડાયમંડ રિંગ લાવવા કહ્યું હતું. આના માટે મારે ૨૫૦ કિલોમીટરની વધારાની યાત્રા કરવી પડી. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતી વખતે દુબઈથી જ્વેલરી લાવવાની હસીને જીદ કરી. જો હું જ્વેલરી ના લાવું તો ઘરમાં ઝઘડો કરવાની ધમકી પણ હસીને આપી હતી. મારા મોબાઇલની વોટ્સએપ ચેટિંગ આનો સૌથી મોટો પુરાવો છે.”

આક્રમક મૂડમાં જોવા મળેલા શમીએ જણાવ્યું, ”હસીન લાલચી અને શંકાશીલ સ્વભાવની મહિલા છે. પરિવાર અને સંબંધીઓ સાથે વાત કરો તો પણ તે શંકા કરે છે.”

મારા ભાઈએ રેપ કર્યો તો હસીન બીજા દિવસે તેના ઘેર કેમ ગઈ?
પોતાના ભાઈ હસીબ અહમદ પર લાગવવામાં આવેલા રેપના આરોપ અંગે શમીએ કહ્યું, ”હસીને ૭ ડિસેમ્બરે દુષ્કર્મ થયું હોવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ૨ ડિસેમ્બરથી દિલ્હીમાં શ્રીલંકા સામે ટેસ્ટ મેચ હતી. પ્રદૂષણને કારણે એ ટેસ્ટ મેચ વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ૬ ડિસેમ્બરે દિલ્હીની તાજ હોટેલમાં ભુવનેશ્વરકુમારનું રિસેપ્શન હતું, જેમાં હસીન અને પુત્રી આયરા મારી સાથે હતી. ૭ ડિસેમ્બરની સવારે ૧૦ વાગ્યે હોટેલમાંથી ચેકઆઉટ કર્યું અને સાંજે ૪.૦૦ વાગ્યે અમારા ગામ પહોંચ્યા જ્યાં હસીનને છોડીને મારા ભાઈ હસીબ સાથે અમે ફાર્મ હાઉસ ચાલ્યા ગયા. એ દરમિયાન પણ હસીન મારી સાથે વોટ્સએપ ચેટિંગ કરતી રહી. સાંજે ભાઈ હસીબ મને ઘેર છોડીને મુરાદાબાદ ખાતેના પોતાના નિવાસસ્થાને ચાલ્યો ગયો.”

વધુમાં શમીએ જણાવ્યું, ”૮ ડિસેમ્બરે હું હસીન સાથે હસીબના ઘેર પણ ગયો હતો. એ સમયે કોઈ વાત થઈ નહોતી. જો હસીબે ૭ ડિસેમ્બરે હસીન સાથે કોઈ ખોટો વ્યવહાર કર્યો હોય તો તેણે કોઈને જણાવ્યું કેમ નહીં? આ સ્થિતિમાં હસીન જ નહીં, કોઈ પણ મહિલા એ માણસના ઘેર શા માટે જાય, જેણે તેની સાથે દુષ્કર્મ કર્યું હોય…”

BCCIના એન્ટી કરપ્શન યુનિટે શમીની ત્રણ કલાક પૂછપરછ કરી
ગઈ કાલ સાંજે બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટે ત્રણ કલાક સુધી મોહંમદ શમીની પૂછપરછ કરી હતી. આ યુનિટે શમીના દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરવા સુધીના સમગ્ર ઘટનાક્રમને રેકોર્ડ કર્યો, જોકે શમીએ એ દરમિયાન દુબઈ જવાના મામલામાં કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. શમી પર લગાવવામાં આવેલા આરોપોને કારણે બીસીસીઆઇએ શમીનો કોન્ટ્રેક્ટ રોકી દીધો છે એટલું જ નહીં, શમીના આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સમાં રમવા પર પણ શંકાનાં વાદળો
ઘેરાયાં છે.

You might also like