ઈનકાર બાદ અાખરે મહંમદ હફીઝ ‘ઢાકા ડાઈનામાઈટ્સ’માં જોડાયો

કરાચી: શરૂઅાતમાં ઈનકાર કર્યા બાદ પાકિસ્તાનનો અનુભવી સિનિયર ખેલાડી મહંમદ હફીઝ અાખરે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની ઢાકા ડાઇનામાઈટ્સ ટીમ સાથે જોડાઈ ગયો છે. હફીઝ બીપીએલમાં જોડાતા લાંબા સમયથી ચાલતા વિવાદનો અાખરે અંત અાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાનના બેટ્સમેન મહંમદ હફીઝે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં રમવાની ચટગાંવ વાઇકિંગ્સની લોભામણી ઓફર ઠુકરાવી દીધી હતી કારણ કે આ ટીમે ફિક્સિંગમાં સંડોવાયેલા ફાસ્ટ બોલર મહંમદ આમિર સાથે પણ કરાર કર્યો છે.

એ વખતે હફીઝે દુબઈમાં એક અખબાર સાથેની મુલાકાતમાં કહ્યું હતું, ”આ વ્યક્તિગત મામલો કે ટકરાવ નથી. આ પાકિસ્તાની ક્રિકેટની છબિનો સવાલ છે. હું એવા કોઈ ખેલાડી સાથે ના રમી શકું, જેણે દેશની છબિ ખરાબ કરી હોય અને દેશને બદનામ કર્યો હોય.” અખબારના જણાવ્યા પ્રમાણે હફીઝને બીપીએલની ત્રીજી સિઝનમાં વાઇકિંગ્સ તરફથી રમવા માટે લોભામણી ઓફર મળી હતી, પરંતુ ટીમમાં આમિરની હાજરીને કારણે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

હફીઝે લગભગ એક કરોડ પાકિસ્તાની રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી હતી, કારણ કે ફ્રેંચાઇઝી અગાઉ જ આમિર સાથે કરાર કરી ચૂકી હતી. હફીઝ આ પહેલાં પણ સ્પોટ ફિક્સિંગ પ્રકરણના ત્રણ ફિક્સર્સ આમિર, સલમાન બટ અને મોહંમદ આસિફને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી ચૂક્યો છે.

You might also like