મોહાલી ટેસ્ટ રોમાંચક તબક્કામાં

મોહાલીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અહીં રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ગઈ કાલના દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે છ વિકેટ ગુમાવીને ૨૭૧ રન બનાવી લીધા હતા. હવે આજે મેચના ત્રીજા દિવસે ગઈ કાલના અણનમ બેટ્સમેન અશ્વિન અને જાડેજાએ ભારતનો દાવ આગળ ધપાવ્યો હતો. આજે પણ આ બંનેએ ધૈર્યપૂર્ણ કરીને ટીમનો સ્કોર ૩૦૧ રન સુધી પહોંચાડી દીધો હતો. આ સમયે અશ્વિન ૧૧૩ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે શાનદાર ૭૨ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનો સ્કોર સાત વિકેટે ૩૩૯ રન છે. રવીન્દ્ર જાડેજા ૬૦ રને અને જયંત યાદવ ૨૨ રને બેટિંગ કરી રહ્યા હતા. આ સાથે ભારત ૫૬ રનની સરસાઈ હાંસલ કરી ચૂક્યું છે.

ઇંગ્લેન્ડે નકારાત્મક બોલિંગ કરીઃ પૂજારા
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ગઈ કાલે બીજા દિવસની રમત પૂરી થયા બાદ કહ્યું હતું કે ઈંગ્લેન્ડે વિરાટ કોહલી સાથે તેની ભાગીદારી દરમિયાન નકારાત્મક લાઇનમાં બોલિંગ કરી હતી, પરંતુ ભારતીય ટીમ પહેલી ઇનિંગ્સમાં ૭૫થી ૧૦૦ રનની સરસાઈ હાંસલ કરવાનો પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે પૂજારા અને કોહલીએ ૨૫.૨ ઓવરમાં માત્ર ૭૫ રન જોડ્યા હતા, પરંતુ બાદના સેશનમાં ઈંગ્લેન્ડે સ્ટમ્પની બહાર બોલિંગ કરી હતી, જેના કારણે આ જોડીને ઘણા બોલ છોડી દેવા પડ્યા હતા. પૂજારાએ કહ્યું, ”મને લાગે છે કે ઈંગ્લેન્ડે જે લાઇનમાં બોલિંગ કરી તે થોડી નકારાત્મક હતી. મને લાગે છે કે અમે જે રીતે બેટિંગ કર્યું તેનાથી અમારો જુસ્સો દેખાય છે. અમારી સામે ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ થઈ રહી હતી તેમ છતાં અમે ભાગીદારી નોંધાવી હતી.”

કોઈ પાસેથી પ્રશંસાની આશા નથીઃ આદિલ
ઈંગ્લેન્ડ તરફથી શ્રેણીમાં અત્યાર સુધીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનારા લેગ સ્પિનર આદિલ રશીદે કહ્યું કે ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં પ્રદર્શન માટે તેની જે પ્રશંસા થઈ રહી છે તેને તે વધુ મહત્ત્વ આપતો નથી. આદિલ રશીદે ગઈ કાલે રમત પૂરી થયા બાદ કહ્યું, ”મેં ક્યારેય મીડિયા કે કોઈ અન્ય તરફથી પ્રશંસાની આશા રાખી નથી. ફક્ત નેટમાં ધ્યાન આપ્યું અને સખત મહેનત કરી. બેશક, તમે મેદાન પર ઊતરીને તમારું ૧૦૦ ટકા પ્રદર્શન આપો છે. જો વિકેટ ના મળે તો એ કોઈ મોટી વાત નથી.” આદિલ ઈંગ્લેન્ડના પ્રદર્શનથી ખુશ છે. તેણે કહ્યું, ”૨૮૩ રન બનાવ્યા બાદ ભારતને છ વિકેટે ૨૭૧ રન પર રોકવું એ સારું પ્રદર્શન છે.”

સુપર ફ્લૉપ રહાણે કોની ‘ચિઠ્ઠી’ લઈને આવ્યો છે?
મોહાલી: ક્રિકેટ ચાહકો હવે સવાલ કરી રહ્યા છે કે અજિંક્ય રહાણે કોની ‘ચિઠ્ઠી’ લઈને આવ્યો છે? ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં સતત નિષ્ફળ રહેવા છતાં તેને ટીમ ઇન્ડિયામાં સામેલ કરાઈ રહ્યો છે. તાજેતરમાં ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં ૧૮૮ રન તેમજ ૭૭ રનની બે મોટી ઇનિંગ્સ રમનાર તેમજ વન-ડે સિરીઝમાં પણ સરેરાશ સારું રમેલો અજિંક્ય રહાણે ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં સદંતર નિષ્ફળ ગયો છે. તે પાંચ દાવમાં કુલ મળીને તે માત્ર ૬૩ રન બનાવી શક્યો છે. શ્રેણીમાં તેની ઇનિંગ્સ આ મુજબની રહી છે: ૧, ૧૩, ૨૩, ૨૬ અને ૦. ગઈ કાલે દિવસની રમત પૂરી થઈ ત્યારે સાથી બૅટ્સમૅન ચેતેશ્વર પૂજારાએ અજિંક્યને નબળા ફૉર્મ સામે સપોર્ટ કરીને તેનો નૈતિક જુસ્સો વધાર્યો હતો. જોકે બીજી વાત એ છે કે રહાણે ઇંગ્લૅન્ડના સ્પિનરો સામે સારું નથી રમી શક્તો. તેણે પાંચમાંથી ત્રણ વિકેટ સ્પિનરોની બોલિંગમાં ગુમાવી છે. રાજકોટની ટેસ્ટમાં ઝફર અન્સારી અને મોઇન અલીએ અજિંક્યને આઉટ કર્યા બાદ વિશાખાપટ્ટનમમાં તેણે જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડના બૉલમાં વિકેટ ગુમાવી હતી. રહાણે ગઈ કાલે ફરી એક વાર સ્પિનરનો શિકાર થયો હતો. આદિલ રશીદે ગૂગલીમાં તેને શૂન્ય પર જ એલબીડબ્લ્યુ કરી દીધો હતો.

You might also like