આજથી ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની વૉર્મ-અપ મેચો શરૂ

ધર્મશાલા: એક તરફ હિમાચલ પ્રદેશની કૉન્ગ્રેસ સરકારે ૧૯ માર્ચે ધર્મશાલામાં ભારતની પાકિસ્તાન સામે રમાનારી ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની મૅચ માટેની સલામતી વ્યવસ્થા કરવામાં હાથ અધ્ધર કરી દઈને વિવાદ ઊભો કર્યો છે ત્યારે બીજી તરફ એ જ ધર્મશાલામાં આજે વિશ્વ કપની પ્રૅક્ટિસ મૅચોનો પ્રારંભ રહ્યો છે. ટી-ટ્વેન્ટી ફૉર્મેટના આ છઠ્ઠા વર્લ્ડ કપની મુખ્ય મૅચો ૧૫ માર્ચથી રમાશે, પરંતુ એ પહેલાં આજે શરૂ થઈ રહેલી વૉર્મ-અપ મૅચોમાં સૌથી પહેલો મુકાબલો ઝિમ્બાબ્વે અને હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસો. ઇલેવન વચ્ચે થશે.

બપોરે ૩.૦૦ વાગ્યે આ મૅચ શરૂ થયા બાદ ૭.૦૦ વાગ્યા સુધી ચાલશે અને ત્યાર પછી સાંજે ૭.૩૦ વાગ્યે એ જ સ્થળે આયર્લેન્ડ અને હૉન્ગકૉન્ગ વચ્ચે વૉર્મ-અપ વોર્મમેચ રમાશે. નાના દેશો વચ્ચેની પ્રૅક્ટિસ મૅચોનો આ સિલસિલો ૬ માર્ચ સુધી ચાલશે અને ત્રણ દિવસના વિશ્રામ બાદ ૧૦ માર્ચે મોટા દેશો વચ્ચેની પ્રૅક્ટિસ મૅચોના રાઉન્ડની શરૂઆત થશે, જેમાં પ્રથમ મૅચ સાંજે ૭.૩૦થી ઈડન ગાર્ડન્સમાં ૨૦૦૭ના ચૅમ્પિયન ભારત અને ૨૦૧૨ના વિજેતા વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે. એ જ દિવસે બીજી મૅચ સાંજે ૭.૩૦થી વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલૅન્ડ અને ગયા વખતના ચૅમ્પિયન શ્રીલંકા વચ્ચે રમાશે.

વિવાદાસ્પદ જાદવપુર યુનિ.ના મેદાન પર રમાશે પાકિસ્તાનની પ્રૅક્ટિસ મૅચ
કોલકાતા: પાકિસ્તાનની ટીમને મુંબઈમાં એકેય મૅચ રમવા મળે એમ નથી, પરંતુ પોતાને સપોર્ટ આપી શકે એવા અસંખ્ય પ્રેક્ષકો વચ્ચે એને કોલકાતાની વિવાદાસ્પદ જાદવપુર યુનિવર્સિટીમાં જરૂર રમવા મળશે.

વાત એવી છે કે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં શનિવાર, ૧૨ માર્ચે જાદવપુર યુનિવર્સિટી કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પર પાકિસ્તાનની પ્રૅક્ટિસ મૅચ રમાશે, જેમાં એની હરીફ ટીમ હવે પછી નક્કી થશે. તાજેતરમાં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારો તેમ જ કાશ્મીરની આઝાદીની તરફેણ કરતા પોકારોને કારણે ગંભીર રીતે વિવાદમાં આવી એને પગલે જાદવપુર યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ કાશ્મીરની આઝાદીની તરફેણ કરીને વિવાદ વધાર્યો હતો.

પાકિસ્તાનની બીજી અને છેલ્લી પ્રૅક્ટિસ મૅચ ૧૪ માર્ચે ઈડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે રમાશે. ઈડન ગાર્ડન્સમાં આગલા દિવસે ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઇન્ડીઝની પણ વૉર્મ-અપ મૅચ રમાશે.

You might also like