મૅચ પહેલાં ભારતના કહેવાથી પીચ બદલાઈ!

મોહાલી: મોહાલીમાં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની સૌથી અગત્યની મૅચ પહેલાં નિર્ધા‌િરત કરવામાં આવેલી પીચમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો. આ ફેરફાર પણ ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલી વિનંતી પછી કરવામાં આવ્યો હતો. પીચમાં ફેરફાર કર્યો હોવાની વાતની પુષ્ટિ બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે રવિવારે યોજાયેલી મૅચ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા પીચ બદલવાની વિનંતી કરવામાં આવી હતી, જેનો સ્વીકાર કરીને રવિવારે સવારે જ પીચમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. હકીકતમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મોહાલીમાં જે પીચ પર મૅચ રમાઇ હતી, એ જ પીચ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મૅચ યોજાવાની હતી, પરંતુ ભારતીય ટીમ એ પીચ પર રમવા માગતી નહોતી અને આ જ કારણે ફેરફાર કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપ જેવા મોટા મુકાબલાઓમાં આઇસીસી ક્યૂરેટર પીચ તૈયાર કરે છે, પરંતુ ભારતના કહેવા પર સ્પિનર માટેની પીચ તૈયાર કરવામાં આવી હતી, જેને લઇને સવાલો પણ ઊઠી શકે છે, પરંતુ બીસીસીઆઇ દ્વારા કરવામાં આવેલા દબાણના કારણે પીચમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઇની તાકાત અને દાદાગીરી દુનિયામાં કોઈનાથી છૂપી નથી. આઇસીસી પણ બીસીસીઆઇની તાકાત જાણે છે.

You might also like