નોટો બંધ કરવાના મોદીના નિર્ણયને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું સમર્થન

વોશિંગ્ટનઃ ભારતના વડા પ્રધાન મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની કરેલી જાહેરાતને સમર્થન આપતાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું છે કે આવાં પગલાંથી દેશમાં ભ્રષ્ટાચાર અને કરચોરી પર અંકુશ આવશે.
આઈએમએફના પ્રવકતા ગેરી રાઈસે જણાવ્યું હતું કે અમે ભારતમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે નાણાંના પ્રવાહ સામે લડવા જાહેર કરવામાં આવેલા ઉપાયોને સમર્થન આપીએ છીએ. ભારતની અર્થવ્યવસ્થામાં દરરોજની લેવડદેવડમાં રોકડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી પડશે. જેનાથી ઓછી મુસીબત અનુભવવી પડે. તેથી આ બાબતે હવે ચોકકસાઈ રાખવી પડશે.

દરમિયાન ગત મંગળવારે વડા પ્રધાન મોદીએ આવી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ બુધવારે બેન્ક બંધ રહી હતી અને એટીએમ પણ બે દિવસ બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ગુરુવારે બેન્ક ખૂલતાં જ અનેક લોકો જૂની નોટો જમા કરાવવા અને નવી નોટો લેવા ઊમટી પડ્યા હતા. અને આજે પણ અનેક લોકો સવારથી જ એટીએમમાંથી પૈસા ઉઠાવવા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા.

You might also like