ચૂંટણી જીતશે તો મોદી મને ગોળી મારીને મરાવી નાખશેઃ શરદ યાદવ

(એજન્સી) પટણા, સોમવાર
લોકતાંત્રિક જનતા દળ (લોજદ)ના નેતા શરદ યાદવે એક સ્ફોટક નિવેદન કરતાં જણાવ્યું છે કે આ ચૂંટણીમાં મારી જિંદગીને ખતરો છે. તેમણે જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ફરી વાર ચૂંટણી જીતશે તો તેઓ કાં તો મને જેલમાં ધકેલી દેશે અથવા તો ગોળી મારીને મને મરાવી નાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શરદ યાદવ અગાઉ જનતા દળ (યુ)ના અધ્યક્ષ પણ રહી ચૂકયા છે, પરંતુ પાછળથી કેટલાક મતભેદોના કારણે તેમણે જનતા દળ (યુ) છોડી દીધું હતું અને મહાગઠબંધનનો ભાગ બની ગયા હતા.
આ લોકસભા ચૂંટણીમાં શરદ યાદવ મધેપુરાની બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળના પ્રતિક પર ચૂંટણી લડી રહ્યા છે. શરદ યાદવે આ પ્રકારનું વિવાદી નિવેદન પ્રથમવાર કર્યું છે એવું નથી. ગઇ સાલ ડિસેમ્બરમાં પણ તેમણે રાજસ્થાનની ચૂંટણી દરમિયાન તત્કાલીન મુખ્યપ્રધાન વસુંધરા રાજે પર વ્યંગ કરતાં જણાવ્યું હતું કે હવે વસુંધરાને આરામ આપો, તે ખૂબ થાકી ગયાં છે, તે ખૂબ જાડાં થઇ ગયાં છે, અગાઉ પાતળી હતાં, અમારા મધ્યપ્રદેશનાં દીકરી છે.
ગઇ સાલ ભોપાલના ગાંધી ભવનમાં આયોજિત લોકક્રાંતિ સંમેલનમાં શરદ યાદવે જણાવ્યું હતું કે આજે કોઇ શરદ યાદવ જીતી શકે છે કે શું? આજે તમામ પૈસાવાળા લોકો ટિકિટ માગી રહ્યા છે. આજે કોઇ જયપ્રકાશ, લોહિયા, આંબેડકર ચૂંટણી જીતી શકશે? આ જે મામા છે તે ગપોડી છે, થેલો લઇને ફરે રાખે છે. શરદ યાદવે જણાવ્યું હતું કે એક જૂઠ બોલનારા દિલ્હીમાં છે. તે રાતે સૂએ છે કે નહીં તેની પણ મને ખબર નથી. કહેવાય છે કે પ૬ ઇંચની છાતી છે, શું તે પહેલવાન છે? મધ્યપ્રદેશમાં પણ ૧પ વર્ષથી ગપોઢી રાજ ચાલી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોક તાંત્રિક જનતા દળના કદાવર નેતા શરદ યાદવની પાર્ટી અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી બાદ તેમનો રાજદમાં વિલય થઇ જશે.

You might also like