ગુજરાત ભાજપના નેતાઓ સાથે મોદી હારના કારણોની સમીક્ષા કરશે

અમદાવાદ: તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપનો શહેરી દબદબો જળવાઇ રહ્યો હતો. જો કે ગ્રામીણ વિસ્તારોમાં પક્ષને ઉલ્લેખનીય સફળતા મળી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય કચ્છ મુલાકાત દરમ્યાન આ બાબત ચર્ચાશે તેવી અટકળો ઊઠી છે. પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને ભાવનગર મનપામાં ભાજપનું પ્રભુત્વ જળવાઇ રહ્યું છે.

નગરપાલિકાઓમાં પણ કમળ સફળ નિવડ્યું છે, પરંતુ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ભાજપનો દેખાવ એકંદરે નિરાશાજનક રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને ખાસ્સી એવી સફળતા મળતા મૃતપ્રાયઃ હાલતમાં મૂકાયેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની પુત્રીના લગ્નના દિલ્હી ખાતે યોજાયેલા રિસેપ્શનમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પરિણામોની ચર્ચા કરી હતી.

હવે આગામી તા. ૧૮, ૧૯ અને ૨૦ ડિસેમ્બરે કચ્છમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય સ્તરની ત્રીજી કોન્ફરન્સ યોજાઇ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે.  આ ત્રણ દિવસના સમયગાળા દરમ્યાન તેઓ પ્રદેશ સ્તરના નેતાઓ સાથે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં મળેલી હારના કારણોની સમીક્ષા કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગત તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ની જીએમડીસી ગ્રાઉન્ડની રેલીના પગલે રાજ્યમાં એક સમયે ઉગ્ર બનેલા
પાટીદાર અનામત આંદોલનનો વિષય પણ આ બેઠકમાં છેડાય એવી પૂરેપૂરી શક્યતા છે.  સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાટીદાર આંદોલનકારીઓને શાનમાં સમજાવી દેવાય તેવી પણ સંભાવના દેખાઇ રહી છે.

You might also like