G-20 સમિટ: મોદી-ટ્રમ્પ અને આબે એક મંચ પર આવશે

બ્યૂનસ આયર્સ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩મા જી-ર૦ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સ પહોંચી ગયા છે. આ શિખર સંમેલનમાં પીએમ મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે સહિત વિશ્વના અન્ય ટોચના નેતાઓ સાથે મંત્રણા કરશે. મોદીએ શિખર સંમેલન પહેલાં ‘યોગ ફોર પીસ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમણે સંબોધન પણ કર્યું હતું. આ ઉપરાંત પીએમ મોદીએ સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સાથે પણ મુલાકાત કરી હતી.

‘યોગ ફોર પીસ’ કાર્યક્રમમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને યોગકળાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે આ કાર્યક્રમનું આનાથી વધુ સારું નામ હોઈ શકે નહીં. યોગ આપણને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. યોગ દ્વારા મગજ અને શરીરને શાંત રાખવાની તાકાત મળે છે. જો માણસના મનમાં શાતિ હશે તો પરિવાર, સમાજ અને દેશમાં પણ શાંતિ સ્થપાશે. યોગ એ વિશ્વને ભારત તરફથી સ્વાસ્થ્ય, કલ્યાણ અને શાંતિ માટેની ખાસ ભેટ છે.

યોગ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. મોદીએ યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ સાથે પણ ઘણા અગત્યના મુદ્દાઓ ચર્ચ્યા હતા. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)નાં સૂત્રોએ જણાવ્યું કે તાજેતરનાં થોડાં વર્ષોમાં સાઉદી અરબ ભારતનું મૂલ્યવાન ભાગીદાર રહ્યું છે. આ સંબંધ ભારતીય સમુદાયથી આગળ વધીને અર્થવ્યવસ્થા, ઊર્જા અને સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ વિસ્તરશે. તેથી આ મુલાકાત ખૂબ અગત્યની છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વની ર૦ સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશોના સમૂહ જી-ર૦નું ૧૩મું શિખર સંમેલન આજે અને આવતી કાલે એમ બે દિવસ યોજાયું છે. રાજનૈતિક દૃષ્ટિએ અગત્યના હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની જોહુકમી સતત વધતી જાય છે ત્યારે પીએમ મોદી ટ્રમ્પ, શિન્જો આબે સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. આ બેઠક બે દિવસના શિખર સંમેલનથી અલગ હશે.

આ ઉપરાંત મોદી રશિયા, ભારત અને ચીન વચ્ચે બીજી વખત આયોજિત થઈ રહેલી ત્રિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. આ બેઠક આજે ૧ર વર્ષના સમયગાળા બાદ યોજાઈ રહી છે, જેમાં મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભાગ લેશે.

You might also like