PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી. પીએમ મોદી ધૌલા કુઆથી દ્વારકા સુધીની યાત્રા દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 હજાર લોકોની ક્ષમતાવાળા આઇઆઇસીસી સેન્ટરની આધારશિલા રાખી હતી.

આ સેન્ટર દ્વારકાના સેકટર 25માં આવેલ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ જનતા સાથે યાત્રા કરી હતી. જો કે રસ્તામાં પીએમ મોદી સાથે સેલ્ફી લેવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેટ્રો ટ્રેનમાં ઘણા લોકો પીએમ મોદી સાથે હાથ મિલાવતાં જોવા મળ્યા હતા.

 

પીએમ મોદીએ આઇઆઇસીસીની આધારશિલા રાખતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ 26000 કરોડની છે અને આ 80 કરોડ યુવાઓને એટીટયૂડ અને ઊર્જાનું કેન્દ્ર બનશે. અહીં માત્ર કન્વેશન અને એક્સપો સેન્ટર જ નહી પરંતુ દેશ-વિદેશના વેપારનું વાઇબ્રેન્ટ સેન્ટર બનશે.

પીએમ મોદીએ આગળ જણાવ્યું કે આ દિલ્હીની અંદર એક નાના શહેર જેવું હશે. એક જ કેમ્પસમાં જ એક કન્વેશન હોલ, એક્સપો હોલ, મીટિંગ હોલ, હોટલ, માર્કેટ તેમજ ઓફિસ અને અન્ય સુવિધાઓ મળશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની આ પરિયોજના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મીએ હૈદરાબાદ ખાતે એક મેટ્રો લાઇનની ઉધ્ધાટન કરવા જશે. ત્યારબાદ હૈદરાબાદ દેશની મેટ્રો ટ્રેનના નેટવર્કનું બીજુ સૌથી મોટુ નેટવર્ક બની જશે. પહેલા નંબર પર દિલ્હી મેટ્રો છે.

You might also like