21મીથી PM મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે

અમદાવાદ: ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અિધવેશનનું આયોજન હવે અમદાવાદ કે ગાંધીનગરના બદલે વડોદરા ખાતે કરવાનો આખરી નિર્ણય લેવાયો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહિલા મોરચાના અધિવેશનના સમાપન સત્રને સંબોધવા વડોદરા આવશે.

ડિસેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે યોજાનારી ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા તેઓ ગુજરાત આવી રહ્યા છે. આ બંને કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. વડા પ્રધાન ૨૧મીએ દિલ્હીથી વડોદરા થઇને કેવડિયા પહોંચશે.

તેઓ દેશભરના સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના વડાઓ સાથે રાત્રિ બેઠક કરશે. બીજા દિવસે ૨૨ ડિસેમ્બરે દિલ્હી પરત ફરતાં પહેલાં વડોદરામાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં સમાપન પ્રવચન આપશે.

દોઢ મહિના પહેલાં તેલંગાણામાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ વિધાનસભા ચૂંટણી આવી હતી. જુદાં જુદાં રાજ્યમાં આવાં સંમેલન યોજવાથી સ્થાનિક અને જે તે મોરચાના કાર્યકરોને રાષ્ટ્રીય કાર્યકરો સાથે સંવાદ કરવાની અને વિચાર જાણવાની તક મળે છે.

મહત્ત્વનાં સંમેલનો ચૂંટણી હોય તે રાજ્યમાં અથવા સંગઠનને મજબૂત કરવા માટે યોજાય છે. મહિલા મોરચાનું સંમેલન પહેલાં ગાંધીનગર યોજાવાનું હતું, પરંતુ આ દિવસોમાં વડા પ્રધાન ગુજરાતની મુલાકાતે કેવડિયા હોઇ અધિવેશન હવે વડોદરા યોજાશે. ગુજરાત મહિલા મોરચાની સ્થિતિ તાકીદે સુધારવી પડે તેમ છે, પરંતુ હવે નવું માળખું જાહેર કરવાના બદલે લોકસભાની ચૂંટણી સુધી હાલની સ્થિતિને જાળવી રખાશે.

You might also like