એર સ્ટ્રાઈક ઈમ્પેક્ટઃ સત્તામાં મોદીની વાપસી નિશ્ચિત?

ર૬ ફેબ્રુઆરીની પરોઢિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ કરી બતાવ્યું જે છેલ્લાં ૪૮ વર્ષમાં થયું નહોતું. છેલ્લાં ૩૦ વર્ષથી દેશ આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યો હતો. લોકો શહીદોની શબપેટીઓ ગણતા ગણતા થાકી ગયા હતા. ત્રાસવાદ સામે સવાસો કરોડનો આ દેશ સ્વયંને નિઃસહાય અનુભવી રહ્યો હતો.

લોકો એવું માનવા લાગ્યા હતા કે આ હવે આપણી નિયતિ છે. આપણા જવાન શહીદ થતા રહેશે, નેતાઓ હુમલાની નિંદા કરતા રહેશે અને સરવાળે પરિણામ શૂન્ય હશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષોથી પ્રવર્તતી આ માન્યતાને તોડી પાડી છે. ૧૪ ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલાના જડબાંતોડ જવાબમાં મોદીએ પાક. સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મોહંમદના આતંકીઓને નેસ્તનાબૂદ કરી નાખ્યા. આ ઘટનાક્રમ બાદ હવે અપેક્ષા મુજબ પુરાવા માગવાથી લઇને આતંકીઓના મોતના આંકડા માટે હિન કક્ષાની રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

જોકે મોદી આ બધી રાજકીય પ્રયુક્તિઓથી સારી રીતે વાકેફ છે અને તેમણે પોતાનું મનોબળ સહેજ પણ તૂટવા દીધું નથી. તાજેતરમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ પોતાની પ૬ની છાતી ઠોકીને આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું છે કે ચિંતા કરશો નહીં હું ર૦૧૯માં પરત આવવાનો જ છું.

જોકે મોદીનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે સાચો છે. ભારત દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇકને પગલે હવે તમામ રાજકીય સમીકરણો બદલાઇ ગયાં છે. એર સ્ટ્રાઇક બાદ મોદીની લોકપ્રિયતા વધી છે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. તમામ રાજકીય પંડિતો અને માર્કેટ નિષ્ણાતો પણ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. વિરોધ પક્ષોએ આ એર સ્ટ્રાઇક પહેલાં જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તે હવે પૃષ્ઠભૂમિમાં ધકેલાઇ ગયા છે. અત્યારે માત્ર મોદીની પ૬ની છાતીની મર્દાનગીની જ વાતો થઇ રહી છે.

લોકો ઘટતી જતી જીડીપી, વધતી જતી બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ જેવા મુદ્દાઓ ભૂલી ગયા છે અને ચોમેર મોદી તેમજ ભારતના સૈન્યનાં પરાક્રમો જ છવાઇ ગયાં છે. ઇતિહાસ પણ બતાવે છે કે યુદ્ધ અને ચૂંટણીને હંમેેશાં કનેકશન હોય છે અને યુદ્ધ હંમેશાં ચૂંટણીના તમામ સમીકરણો બદલી નાખે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬પ, ૧૯૭૧ અને ૧૯૯૯માં એમ ત્રણ યુદ્ધ થયાં હતાં. ખાસ કરીને ૧૯૭૧નાં યુદ્ધનાં આઠ મહિના બાદ ચૂંટણી યોજાઇ ત્યારે ઇન્દિરાજી પણ સત્તા પર પુનઃ પ્રસ્થાપિત થયાં હતાં.

આ દેશનાં લોકોએ બીજા કોઈની પાસેથી કશું શીખવાના બદલે આપણા એરફોર્સના વડાએ જે વાત કરી તેમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. એરફોર્સના એર ચીફ માર્શલ ધનોઆએ એક લશ્કરીને છાજે એવી ગૌરવપૂર્ણ ભાષામાં વાત કરીને જણાવ્યું કે ઈન્ડિયન ઍરફોર્સે કરેલા હુમલામાં કેટલા આતંકવાદી મરાયા એ નક્કી કરવાનું કામ એરફોર્સનું છે જ નહીં એવી તેમની વાત સાવ સાચી છે. આપણે થોડા આતંકીઓને પાડી દઈશું એટલે આતંકવાદીઓ ખતમ થઈ જશે એવું નથી. પાકિસ્તાનની આતંકીઓની ફેકટરીમાંથી બીજા આતંકીઓ પેદા થઇ જશે.

વર્તમાન સ્થિતિ જોતાં હવે એક વાત સ્પષ્ટ છે કે સમગ્ર રાજકીય અને ચૂંટણીકીય માહોલ મોદીની તરફેણમાં ફેરવાઇ ગયો છે. એટલા માટે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની તમામ રેલી અને જાહેર કાર્યક્રમોમાં એર સ્ટ્રાઇકનો અચૂક ઉલ્લેખ કરી રહ્યા છે. વિરોધ પક્ષો જે પુરાવા માગી રહ્યા છે તેનો પણ મોદી યોગ્ય સમયે જવાબ આપશે. એર સ્ટ્રાઇકમાં જે વિમાનોએ ભાગ લીધો હતો તેમાં સેન્સર સાથેના કેમેરા હોય છે અને આ કેમેરાએ તમામ તસવીરો કેપ્ચ્યર કરી જ હશે અને મોદી બરાબર ચૂંટણી વખતે જ આ પુરાવા વિરોધ પક્ષો પર ફેંકશે.

You might also like