મોદીની આયુષ્માન યોજના ભાજપ સરકાર માટે ગેમ ચેન્જર સાબિત થશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૯ની સામાન્ય સંસદીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આયુષ્માન યોજનાનો એક મોટો જુગાર ખેલ્યો છે. મોદીએ દેશના ૧૧ કરોડ કરતાં વધુ પરિવારને દર વર્ષે રૂ.પાંચ લાખનું હેલ્થ કવચ આપીને મહત્ત્વાકાંક્ષી યોજના મિશન-ર૦૧૯ને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી દીધી છે.

મોદીનું આ બાબતમાં પ્રી-પ્લાનિંગ હતું અને માટે જ તેમણે બજેટમાં આયુષ્માન યોજનાની જાહેરાત કરી દીધી હતી. હવે આ યોજનાનો અમલ પણ થઇ ગયો છે. મોદીએ ઝારખંડની રાજધાની રાંચીમાં તેના ઉદ્ઘાટન દરમિયાન સ્વયં પોતાના હાથથી પાંચ ગોલ્ડ કાર્ડ લાભાર્થીઓને સોંપ્યાં હતાં.

ત્યાર બાદ તુરત જ જમશેદપુરના પશ્ચિમની સિંહભૂમ સદર હોસ્પિટલમાં રર વર્ષની પૂનમ મહાતોએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને આ રીતે તે આ કાર્યક્રમની પ્રથમ લાભાર્થી બની હતી.

આ યોજનાની શરૂઆતના કેટલાક કલાકની અંદર જ રાંચી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (રિમ્સ)માં ચાર દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા.

આ યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ પરિવારને વર્ષમાં પાંચ લાખ સુધીનું હેલ્થ કવરેજ આપવામાં આવશે, જેમાંથી ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ પહેલાંથી જ કરવામાં આવી ચૂકી છે. નેશનલ હેલ્થ એજન્સી દ્વારા વડા પ્રધાન વતી પ્રત્યેક લાભાર્થીને પત્ર મોકલવામાં આવી રહ્યા છે અને તેમને યોજનાની જાણકારી પણ આપવામાં આવી રહી છે.

આ પત્રમાં ક્યુઆર કોડ અને લ‌િક્ષત પરિવારોની અન્ય મા‌હિતી ઉપલબ્ધ છે. અત્યાર સુધી વડા પ્રધાન તરફથી ૪૦ લાખ પત્ર મોકલવામાં આવ્યા છે. આ પત્રને આરોગ્ય મિત્ર અથવા તાલીમ પામેલા લોકો હોસ્પિટલમાં સ્કેન કરશે અને લાભાર્થીઓને વે‌િરફાઇ કરીને તેમને હેલ્થ કેરની સુવિધા અપાવશે.

આ યોજના હેઠળ દેશના લગભગ ૧૧ કરોડ પરિવારને આવરી લેવામાં આવનાર છે. બીજી કે ત્રીજી શ્રેણી હેઠળની હોસ્પિટલમાં આ વીમાકવચ હેઠળના પરિવારના સભ્યો વાર્ષિક રૂ.પાંચ લાખ સુધીનો ઈલાજ કરાવી શકશે. આ યોજના હેઠળ લાભાર્થીઓએ હોસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધી કોઈ રકમ ભરવી પડશે નહીં.

કેન્દ્ર સરકારે આ યોજનાને ઐતિહાસિક ગણાવી છે અને વિશ્વના કોઈ પણ દેશમાં આવી કોઈ યોજના હજુ સુધી ચાલુ નથી કરાઈ તેવો દાવો પણ કર્યો છે. દેશનાં પાંચ રાજ્યએ આ યોજના લાગુ કરવાનો ઈનકાર કર્યો છે. આ પાંચ રાજ્યમાં ભાજપની સરકાર નથી.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાંથી લગભગ આઠ લાખ પરિવાર જોડાશેે. આમ પણ શહેરી વિસ્તારમાં ભાજપનો દેખાવ લગભગ દરેક ચૂંટણીમાં સારો રહ્યો છે. સૌથી મોટી અસર ભાજપને ગ્રામીણ વિસ્તારમાં થતી હોય છે.

હવે જો આઠ કરોડ પરિવારને આ યોજનાથી લાભ થાય તો ર૦૧૯માં ભાજપ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી શકશે એમ લાગી રહ્યું છે. ર૦૧૯ની ચૂંટણીને હજુ છ મહિનાની વાર છે. છ મહિનામાં જો આ યોજના સફળ થઈ ગઈ તો ભાજપને મોટી રાહત થઈ શકે તેમ છે.

આ યોજના કોઈ જાતિ કે વર્ગ માટે અનામત ન હોવાથી તમામ લોકો આનો લાભ લઈ શકશે. આ યોજનાથી સરકારના માથે કેટલો મોટો બોજ પડશે એ પછીની વાત છે, પરંતુ ત્યાં સુધીમાં તો ભાજપ ફરી પાછું સત્તા પર આવી ચૂક્યું હશે. હાલ ભાજપ પાસે લોકો સમક્ષ જવા માટે કોઈ મુદ્દો છે નહીં.

ત્રાસવાદ, કાળાં નાણાં, બેરોજગારી, મોંઘવારીના મુદ્દે ભાજપ લોકો પાસેથી ફરીથી મત માગી શકે તેમ નથી. રામમંદિર અને કલમ-૩૭૦ પણ હાલ ભાજપે અભરાઈ પર ચઢાવી દીધી છે એવામાં ગરીબો માટે ખાસ આ યોજના અમે લાવ્યા તેવો દાવો કરીને ભાજપ ફરીથી મત માગી શકે તેમ છે.

બીજું આપણી જનતાની યાદદાસ્ત ખૂબ જ ઓછી હોય છે. ત્રાસવાદ, મોંઘવારી અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના ડામથી દાઝેલી જનતાને વીમાકવચના આ મલમથી રૂઝાઈ પણ શકે તેમ છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે બીજા વિપક્ષો ભલે કાગારોળ કરતા રહે, અત્યારના સમયે તો આ મુદ્દે આયુષ્માન ભારત યોજના ર૦૧૯માં ભાજપનું આયુષ્ય વધારનાર સાબિત થશે એમ કહીએ તો નવાઈ નહીં.

You might also like